સત્ય. સાહસ. સંકલ્પ.

E20 પેટ્રોલ વિરોધ પાછળ 'પેઇડ કેમ્પેઇન'? ગડકરીનો મોટો આરોપ, પુરીએ કહ્યું 20%થી વધારવાની યોજના નથી

E20 પેટ્રોલ વિરોધ પાછળ 'પેઇડ કેમ્પેઇન'? ગડકરીનો મોટો આરોપ, પુરીએ કહ્યું 20%થી વધારવાની યોજના નથી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે E20 પેટ્રોલ સામે ચાલી રહેલા વિરોધ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ વિરોધ કુદરતી નથી, પરંતુ પૈસા આપીને ચલાવવામાં આવેલું અભિયાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવી અને દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવું ભારત માટે જરૂરી છે.

ગડકરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્થિતિ અંગે પણ ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આગામી બે વર્ષમાં તમામ નેશનલ હાઇવેની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને રસ્તાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગોવામાં સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની મર્યાદા 20 ટકાથી વધારવાનો સરકારનો હાલ કોઈ પ્લાન નથી. તેમણે બાયોફ્યુઅલ અંગે ફેલાવવામાં આવી રહેલી નકારાત્મક વાતોને આયોજનબદ્ધ ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. સરકારી નીતિ અનુસાર, વિદેશથી આવતા ક્રૂડ ઓઇલ પર દેશની નિર્ભરતા ઓછી કરવા અને વેપાર ખાધ ઘટાડવાના હેતુથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. આ ઇંધણ સામે વિરોધ ત્યારે શરૂ થયો જ્યારે વાહન ચાલકોએ ફરિયાદ કરી કે તેનાથી ગાડીઓની એવરેજ (માઇલેજ) ઘટી રહી છે અને જૂના વાહનોના એન્જિન પર ખરાબ અસર પડે છે. જોકે, સરકારના જણાવ્યા મુજબ, જૂના વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં માત્ર 3થી 5 ટકાનો જ ફેરફાર થઈ શકે છે અને એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા મળ્યા નથી. સરકારે આ નીતિને પ્રદૂષણ ઘટાડવા, ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવાના એક મહત્ત્વના કદમ તરીકે દર્શાવી છે.