સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્દ્ર સરકારે E100 ઇથેનોલ ઇંધણને મંજૂરી આપી, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નવા નિયમો

કેન્દ્ર સરકારે E100 ઇથેનોલ ઇંધણને મંજૂરી આપી, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નવા નિયમો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં 100% ઇથેનોલથી ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (E100) માટે નિયમો જાહેર કર્યા છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં ફેરફાર કરીને સરકારે E100 ઇંધણને મંજૂરી આપી છે. આ નિર્ણય કેટલીક કાર કંપનીઓ દ્વારા પોતાની E100 કારો બજારમાં રજૂ કરે તે પહેલાં લેવામાં આવ્યો છે.

સત્તાવાર નિવેદન મુજબ, મોટર વ્હીકલ્સ રૂલ્સમાં કરાયેલા નવા ફેરફાર હેઠળ એમિશન પ્રોવિઝનમાં E85 ઇંધણની સાથે E100નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે E85 અને E100 ઇંધણનો ઉપયોગ માત્ર એવા વિશેષ વાહનોમાં જ કરી શકાશે, જે તેના માટે ખાસ ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવ્યા હોય.

સરકારી નિવેદનમાં જણાવાયું છે કે E20 પેટ્રોલ અથવા સામાન્ય ફ્યુઅલ પર ચાલતી ગાડીઓ E85 અથવા E100 ફ્યુઅલ પર ચાલી શકતી નથી. આ નવા નોટિફિકેશનથી હાલના વાહન માલિકોને પોતાની કારમાં E85 અથવા E100 ફ્યુઅલ પર શિફ્ટ થવાની કે કોઈપણ પ્રકારનું મોડિફિકેશન કરવાની જરૂર રહેશે નહીં. આ વર્તમાન અને ભવિષ્ય બંને માટે વૈકલ્પિક વ્યવસ્થા છે.

અધિકારીઓએ જણાવ્યું કે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં મોટા પાયે થઈ રહ્યો છે. આ વાહનો ખાસ ડિઝાઇનવાળા હોય છે, જે એક જ ફ્યુઅલ ટાંકીમાં અલગ-અલગ પ્રમાણમાં રહેલા ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ પર સરળતાથી ચાલી શકે છે. વાહનની ડિઝાઇન અને પ્રમાણપત્રના આધારે ઇથેનોલની શ્રેણી E85થી E100 સુધી હોઈ શકે છે.

પરંપરાગત પેટ્રોલની તુલનામાં ઇથેનોલનું ફોસિલ કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું ઓછું હોય છે. વધુ પ્રમાણમાં ઇથેનોલ મિશ્રણના ઉપયોગથી વાહનોના એક્ઝોસ્ટમાંથી બહાર નીકળતા કાર્બન મોનોક્સાઇડ (CO) અને કેટલાક હાઇડ્રોકાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત, ઇથેનોલનો વધુ ઉપયોગ દેશની કાચા તેલની આયાત પરની નિર્ભરતા પણ ઘણી હદ સુધી ઘટાડશે.

E100 એટલે 100% શુદ્ધ ઇથેનોલ ઇંધણ. ઇથેનોલ મુખ્યત્વે છોડ અને જૈવિક સ્ત્રોતો જેમ કે શેરડી અને મકાઈમાંથી તૈયાર કરવામાં આવતું બાયોફ્યુલ છે. E85 અને E100 માત્ર એવી નવી ગાડીઓ માટે છે, જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) દ્વારા ખાસ કરીને તેના માટે ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવશે. જૂની અથવા સામાન્ય E20 ગાડીઓમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.