સત્ય. સાહસ. સંકલ્પ.

જન્માષ્ટમી પર દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર: કેસરી વાઘા અને હીરા જડિત હાર

જન્માષ્ટમી પર દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર: કેસરી વાઘા અને હીરા જડિત હાર

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે આજે દ્વારકાના જગત મંદિરમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. સવારથી જ 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે મંદિર ભક્તિમય બન્યું હતું અને દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ દર્શન કર્યા હતા.

આ અવસર માટે છેલ્લા છ મહિનાથી વિશેષ તૈયારીઓ ચાલી રહી હતી. અમદાવાદમાંથી પસંદ કરાયેલા પ્યોર સિલ્ક અને રૉ-સિલ્કના કેસરી કાપડ પર વૃંદાવનના 15 કારીગરોએ પાંચ મહિના સુધી ઝીણું જરદોશી કામ કરીને ચાગદાર વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં રેશમ વર્ક સાથે લાલ-વાદળી રત્નો અને સ્વરોસ્કી ડાયમંડ જડવામાં આવ્યા છે.

તે જ રીતે, રાજકોટના સોની કારીગરોએ બે મહિનાની મહેનતે ચાંદીના પાયા પર કુંદન, મોતી અને હીરા જડીને સોનાનો ઢોળ ચડાવેલો પાટિયારા હાર તૈયાર કર્યો છે. મંદિરના પૂજારી પુનિતભાઈ વાયડાના જણાવ્યા મુજબ, ભગવાનના શંખ, ચક્ર, ગદા અને પદ્મ નામના ચાર આયુધો પણ નવેસરથી ઘડવામાં આવ્યા છે.

સુરતના કારીગરોએ જરદોશી કામ સાથે રાણી રંગની અને લાલ રંગની બે પીઠિકા તૈયાર કરી છે. સવારના શૃંગારમાં લાલ પીઠિકા પર રૉ-સિલ્કના વાઘા ધરાવાશે, જ્યારે મધ્યરાત્રિએ જન્મોત્સવ સમયે સોનાની પીઠિકા પર પ્યોર સિલ્કના વાઘા ધરાવીને મહાશૃંગાર કરવામાં આવશે. આ સાથે મંદિરના પરંપરાગત માણેક અને હીરાના આભૂષણો પણ ધારણ કરાવવામાં આવશે.