સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ સંગ્રહાલય, 9 થીમ ગેલેરીમાં દિવ્ય લીલાઓનો અનુભવ

દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ સંગ્રહાલય, 9 થીમ ગેલેરીમાં દિવ્ય લીલાઓનો અનુભવ

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમની દિવ્ય લીલાઓ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદેશને આધુનિક ટેક્નોલોજી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે રૂ. 92.70 કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું નિર્માણ થઈ રહ્યું છે. દ્વારકાધીશ મંદિરથી લગભગ 1.6 કિલોમીટરના અંતરે આ સંગ્રહાલય તૈયાર થઈ રહ્યું છે, જેમાં ભગવાન કૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્ત્વજ્ઞાનને નવ થીમ આધારિત ગેલેરીમાં રજૂ કરવામાં આવશે.

સંગ્રહાલયમાં ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મહાભારત સુધીની જીવનયાત્રા દર્શાવવામાં આવશે. આમાં બાળલીલાઓ, ગોકુળ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલાનો સમાવેશ થશે. આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં ભગવાન કૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ મુલાકાતીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આધુનિક ટેક્નોલોજીની મદદથી મુલાકાતીઓને કૃષ્ણના જીવનપ્રસંગોનો વિશિષ્ટ અનુભવ કરાવવાનું આયોજન છે. તેમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર આધારિત અનુભવોનો સમાવેશ થશે. આ સુવિધાઓ દ્વારા મુલાકાતીઓ માત્ર પ્રસંગો જોઈ શકશે નહીં, પરંતુ ડિજિટલ પ્રસ્તુતિઓ સાથે જોડાઈ શકશે.

સંગ્રહાલયના પરિસરમાં લેન્ડસ્કેપ ગાર્ડન, કમળ તળાવ અને એમ્ફિથિયેટર પણ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શોનું પણ આયોજન છે. આમ, દ્વારકાનું શ્રીકૃષ્ણ સંગ્રહાલય ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેક્નોલોજી સાથે રજૂ કરતું સ્થળ બનશે, જ્યાં ભગવાન કૃષ્ણના જીવનપ્રસંગો, માનવમૂલ્યો અને ગીતાના સંદેશને એક જ સ્થળે જાણવાની તક મળશે.