દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઘી ડેમ વિસ્તારમાં આશરે 8 થી 10 પશુઓમાં લમ્પી વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં સ્થાનિક પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. પશુઓની ચામડી પર ફોડકા જેવા લક્ષણો દેખાયા બાદ લમ્પી વાયરસની શક્યતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
ઘટના સામે આવતાં જ પશુચિકિત્સા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. બીમાર પશુઓના બ્લડ સેમ્પલ લેવાઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પશુચિકિત્સકોની ટીમે સ્થળ પર પહોંચીને બીમાર પશુઓની સારવાર શરૂ કરી દીધી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
પશુપાલકોએ માગ કરી છે કે રખડતા પશુઓમાં પણ આવા લક્ષણો છે કે નહીં તે અંગે સર્વે કરવામાં આવે. હાલમાં આ લક્ષણો લમ્પી વાયરસના છે કે અન્ય કોઈ રોગના, તે અંગેની સ્પષ્ટતા લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી જ થશે. તંત્રે પશુપાલકોને બીમાર પશુઓ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.