દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચાર કલાકમાં દ્વારકા શહેરમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકાના ઓખા, મીઠાપુર અને સુરજકરાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે દ્વારકા શહેરના તમામ માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા.
ભારે વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઈસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને ઈસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. દ્વારકાના દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કર્યા બાદ વરસાદની મજા માણી હતી.
આ વખતે અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આજે સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હવામાન વિભાગે દ્વારકામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત્ રહેવાની શક્યતા હોવાથી વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.