દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં પીવાના પાણીની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. રેલવે અને ખાનગી જમીન માલિક સાથેના વિવાદને કારણે અટકેલું પાઇપલાઇનનું કામ ફરી શરૂ થયું છે.
ગામના બેડિયાવાડી અને ખવાસવાડી વિસ્તારના આશરે 600થી 700 પરિવારો દાયકાઓથી નળના પાણીથી વંચિત હતા. આ વિસ્તારોમાં આંતરિક પાઇપલાઇન તો હતી, પરંતુ મુખ્ય પાઇપલાઇન સાથે માત્ર 100 ફૂટના અંતરે જોડાણ નહોતું. આ ટૂંકા અંતરમાં રેલવે તેમજ ખાનગી વ્યક્તિની જમીન આવતી હોવાથી પાઇપલાઇન નાખવાનું કામ અટકી પડ્યું હતું, જેના કારણે પાણી લોકો સુધી પહોંચી શકતું નહોતું.
આ સમસ્યા ઉજાગર થતાં તંત્ર સજાગ બન્યું અને ગામના સરપંચ રાકેશભાઈ તથા સ્થાનિક આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી. તેમણે રેલવે અધિકારીઓ અને ખાનગી જમીન માલિક સાથે સંકલન કરીને પાઇપલાઇન નાખવા માટેની જરૂરી મંજૂરી મેળવી.
હાલમાં ધરમપુર ગામે પાઇપલાઇન નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અંદાજે 700 ફૂટ પાઇપલાઇન નાખવામાં આવી છે અને બાકીનું કામ આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ કામગીરી પૂર્ણ થતાં જ બેડિયાવાડી અને ખવાસવાડી વિસ્તારના આશરે 500થી 700 પરિવારોને વર્ષો બાદ નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ગ્રામજનોએ આ સમસ્યા સામે લક્ષ દોરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.