સત્ય. સાહસ. સંકલ્પ.

દશેરાએ ફાફડા-જલેબી મોંઘા: અમદાવાદમાં કિલો ₹860, સુરત-વડોદરામાં ₹600

દશેરાએ ફાફડા-જલેબી મોંઘા: અમદાવાદમાં કિલો ₹860, સુરત-વડોદરામાં ₹600

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ગુજરાતમાં વર્ષોથી ચાલી આવે છે. પરંતુ આ વર્ષે સ્વાદના શોખીનોએ આ મિજબાની માણવા માટે ખિસ્સું વધુ હળવું કરવું પડશે. કારણ કે ખાદ્ય તેલ, બેસન અને ઘીના ભાવમાં થયેલા વધારાને કારણે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો 50થી 100 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વેપારીઓના જણાવ્યા મુજબના છે.

સુરતમાં દશેરાના માત્ર એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. શહેરની દરેક ફરસાણની દુકાનો પર સવારથી જ બે થી ત્રણ કલાક સુધી લોકો લાઈનમાં ઊભા રહીને ફાફડા-જલેબી ખરીદે છે અને રાત્રે પણ ઘરાકી ચાલુ રહે છે. ચોકસી વાડી સામે આવેલી જાણીતી શિવ ખમણની દુકાનના સંચાલકો એક દિવસ અગાઉથી તૈયારી કરે છે, જેથી વહેલી સવારે આવતા ગ્રાહકો કે એડવાન્સ ઓર્ડર આપનારાઓને લાંબો સમય રાહ ન જોવી પડે અને સમય બચે.

શિવ ખમણના સંચાલક અભિષેક પૂજારાએ જણાવ્યું કે, બે થી ત્રણ કલાક લાઈનમાં ઊભીને લોકો ફાફડા-જલેબી લઈ જાય છે. જેમને વહેલી સવારે ફાફડા આપવાના હોય તેમના માટે અગાઉથી બાંધી દઈએ છીએ. બેસન, તેલ સહિતના ભાવમાં વધારો આવ્યો છે, એટલે ફાફડામાં 50થી 70 રૂપિયાનો વધારો કરાયો છે. ઘીનો ભાવ પણ વધતા જલેબીમાં પણ વધારો છે. હાલ 600 રૂપિયા કિલો ફાફડા અને દેશી ઘીમાં બનેલી જલેબીના કિલોએ 600 રૂપિયા છે. સીંગતેલની જલેબી 500 રૂપિયા છે. અમારે ત્યાં અત્યારે 90થી 100 કિલોનું એડવાન્સ બુકિંગ છે.

ગ્રાહક મેશવાએ જણાવ્યું કે, આજે હું ફાફડા-જલેબી લેવા આવી છું, કારણ કે દશેરાએ અમે મહેસાણા જઈ રહ્યા છીએ. સુરતી હોવાથી અમને ખાવા-પીવાનો વધારે શોખ છે અને સુરતનો સ્વાદ ન ચૂકી જઈએ એટલે આજે જ ફાફડા-જલેબી પેક કરાવી લીધા. કાલે અમે મહેસાણામાં ફાફડા-જલેબી ખાવાના છીએ. હા, મોંઘું થોડું છે પણ એ તો બરાબર છે, મોંઘવારી તો વધતી જ હોય ને!

રાજકોટનાં સુપ્રસિદ્ધ લાબેલા ગાંઠિયાવાળા દેવાંગભાઈ ગોંધીયાએ જણાવ્યું કે, રાજકોટમાં માત્ર અમારી દુકાનમાંથી અંદાજે 100 કિલો ફાફડા-જલેબી દશેરાના દિવસે વેચાય છે. ફાફડા અને જલેબીનો ભાવ ગત વર્ષે 600 રૂપિયા હતો અને આ વર્ષે પણ 600 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. અગાઉ ભાવ વધારવાની વિચારણા હતી, પણ આ વર્ષે ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

ગ્રાહક મનસુખભાઈ સોનીએ જણાવ્યું કે, રાજકોટમાં ગાંઠિયા-જલેબીનું ખાસ મહત્વ છે. લોકો સવારના નાસ્તામાં પણ ખાવાનું પસંદ કરે છે. જોકે દશેરાના દિવસે તો ગાંઠિયા અને જલેબી ખાવાનું ખાસ મહત્વ હોય છે. હાલ બધી વસ્તુઓમાં ભાવ વધારો થયો હોવાથી તહેવારો ઉજવવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંઠિયા-જલેબીના ભાવમાં વધારો થયો નથી એ સારી વાત છે. પરંતુ વધે તો પણ ગાંઠિયા-જલેબી આરોગ્યા વિના દશેરાની ઉજવણી થતી નથી.

વડોદરા શહેર મીઠાઈ-ફરસાણ ઉત્પાદક અને વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે જણાવ્યું કે, દશેરા નિમિત્તે ફાફડા-જલેબીના બજારમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વેચાણ 100% ખૂબ જ સારું રહેશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ભાવમાં વધારો થયો છે. બેસન, તેલ, ઘી અને લેબર ચાર્જમાં મોટો વધારો થયો છે, જેને કારણે ભાવ વધારવા પડ્યા છે. ગયા વર્ષે 400થી 450 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ફાફડા આ વર્ષે 600 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. તેલની જલેબી ગયા વર્ષે 200થી 240 રૂપિયા પ્રતિ કિલો વેચાતી, આ વર્ષે 250થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. શુદ્ધ ઘીની જલેબીમાં ગયા વર્ષના 600 રૂપિયાના ભાવ સામે આ વર્ષે 900 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.

અમદાવાદમાં પણ ભાવમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજે 8થી 10 ટકાનો વધારો નોંધાયો છે. દશેરાના દિવસે અમદાવાદીઓને લાઇનમાં ન ઊભવું પડે તે માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું છે. ગયા વર્ષે 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ફાફડાનો ભાવ આ વર્ષે વધીને 860 રૂપિયા થઈ ગયો છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીનો ભાવ ગયા વર્ષે આશરે 900 રૂપિયા હતો, જે વધીને 1000થી 1200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે ફાફડા ખરીદવા માટે પ્રતિ કિલો 60 રૂપિયા અને જલેબી માટે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે.