નાગપુરથી મુંબઈ જઈ રહેલી દુરંતો એક્સપ્રેસ પર 25 સપ્ટેમ્બરની રાત્રે બોરખેડી સ્ટેશન પાસે પથ્થરમારો થયો. A-1, B-2 અને B-5 કોચને નિશાન બનાવાયા, જેમાં બારીનો કાચ તૂટીને અંદર બેઠેલા મુસાફરો પર આવ્યો.
ઘટના સમયે એક મુસાફર પોતાના મોબાઈલમાં વિડિયો બનાવી રહ્યો હતો. તે વિડિયોમાં પથ્થર વાગતાં જ કાચ તૂટવાની ઘટના કેદ થઈ ગઈ. આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેને લીધે ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાનો સવાલ ફરી ઊભો થયો છે.
મધ્ય રેલવેના મુખ્ય જાહેર સંપર્ક અધિકારી (CPRO) ડૉ. સ્વપ્નિલ નીલાએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે બોરખેડી સ્ટેશન પાસે ટ્રેનના A-1, B-2 અને B-5 કોચ પર પથ્થરમારો થયો. કાચના ટુકડા મુસાફરોના ચહેરા પર અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પર પડ્યા. આ હુમલામાં ચાર મિત્રોને સામાન્ય ઈજા થઈ છે. સદનસીબે પથ્થર કાચ પર જ અટકી ગયો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ટ્રેન આગળના સ્ટેશને ઊભી રહ્યા બાદ મુસાફરોએ રેલવે પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ની ટીમોએ સાત કિલોમીટરના વિસ્તારમાં તપાસ શરૂ કરી. પોલીસે અજાણ્યા શખ્સો સામે રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
આ ઘટનાએ રેલવે મુસાફરોની સલામતી અંગે ચિંતા વધારી છે. પથ્થરમારાની ઘટનાઓ અટકાવવા માટે રેલવે દ્વારા કઈ પગલાં લેવાય છે તે અંગે સત્તાવાળાઓ તરફથી હજુ કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.