દુલિપ ટ્રોફી (2026-27)ની ફાઈનલ મેચમાં મેદાન પર ક્રિકેટના રોમાંચ સાથે ખેલાડીઓ વચ્ચેનો તણાવ પણ જોવા મળ્યો છે. ઈસ્ટ ઝોનના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા વચ્ચે સ્લેજિંગ થતાં અમ્પાયરે વચ્ચે પડવું પડ્યું હતું.
ઘટના ઈસ્ટ ઝોનની પહેલી ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. તિલક વર્મા વૈભવ સાથે વાત કરી રહ્યા હતા અને તેમની વાઈસ-કેપ્ટન્સી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું, 'શું યાર, આ વાઇસ-કેપ્ટન.' આ વાત થોડી જ ક્ષણોમાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ. તિલક ગુસ્સામાં વૈભવ પાસે ગયો અને મુક્કો મારવાનો ઈશારો કર્યો. વૈભવે પણ પીછેહઠ ન કરતાં મક્કમતાથી જવાબ આપ્યો. વધતો તણાવ જોઈને અમ્પાયરોએ હસ્તક્ષેપ કરી બંનેને અલગ કર્યા.
આ પહેલાં વૈભવે બેટિંગમાં શાનદાર ફોર્મ દેખાડ્યું હતું. અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને તેમણે પહેલી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. વૈભવે માત્ર 37 બોલમાં 44 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. જોકે, તે અડધી સદી પૂરી કરી શક્યો નહીં. ફાસ્ટ બોલર મિલિંદે શોર્ટ પિચ બોલ પર તેનો મોટો શૉટ રમવાના પ્રયાસમાં બોલ બેટની કિનારી લગાવીને તનય ત્યાગરાજાને કેચ આપ્યો.
દુલિપ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ હવે વૈભવની નજર અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ પર છે. આ સિરીઝની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.