સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈમાં 6.5 કિલો સોના અને હીરાથી બનેલી રંગોળી, વીડિયો વાયરલ

દુબઈમાં 6.5 કિલો સોના અને હીરાથી બનેલી રંગોળી, વીડિયો વાયરલ

દિવાળી પર દરેક ઘરની બહાર રંગોળી બનાવવાની પરંપરા છે. પરંતુ દુબઈમાં એક અલગ જ અંદાજમાં રંગોળી બનાવવામાં આવી છે. દુબઈના પ્રખ્યાત 'સિટી સેન્ટર દેયરા' મોલમાં દિવાળી નિમિત્તે અસલી સોના અને હીરાથી રંગોળી બનાવવામાં આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રંગોળીમાં 6.5 કિલો સોનું વપરાયું છે, જેમાં 213થી વધુ સોનાના હાર, કંગન, ઝૂમખાં અને પેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, રંગોળીને ચમકદાર બનાવવા માટે 380 કેરેટથી વધુના અસલી હીરા જડવામાં આવ્યા છે. 10 કુશળ કારીગરોએ સતત 16 કલાક મહેનત કરીને દરેક ઘરેણાંને હાથથી ગોઠવીને આ ડિઝાઇન તૈયાર કરી છે.

આ રંગોળી જોવા માટે મોલમાં લોકોની ભીડ ઉમટી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર થતાં લોકોના પ્રતિભાવો પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જો આવી રંગોળી આપણા મોલમાં બનાવવામાં આવે તો 5 મિનિટમાં સોનું ગાયબ થઈ જાય.' બીજા એક યુઝરે દુબઈની સુરક્ષા વ્યવસ્થાના વખાણ કર્યા હતા.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'dubaifestivals' પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે.