સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈ ક્રાઉન પ્રિન્સે ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરને બિરદાવ્યા, કહ્યું- તમે દેશનું માન વધાર્યું

દુબઈ ક્રાઉન પ્રિન્સે ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરને બિરદાવ્યા, કહ્યું- તમે દેશનું માન વધાર્યું

દુબઈની ફ્લાઇટ FZ1073માં 34,000 ફૂટની ઊંચાઈએ થયેલા જીવલેણ હુમલા સામે અડગ રહીને 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની વીરતાની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. યુએઈના સંરક્ષણ મંત્રી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદે હોસ્પિટલમાં જઈને કેપ્ટન સ્મિતની મુલાકાત લીધી હતી. તેમણે સ્મિતનું માથું ચૂમીને તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, "તેમણે અમારા દેશનું માન વધાર્યું છે."

ક્રાઉન પ્રિન્સે ભાવુક થઈને કહ્યું, "તમે અદ્ભુત સાહસ, જવાબદારી અને માનવ જીવનની સુરક્ષાનું અજોડ ઉદાહરણ રજૂ કર્યું છે. દેશનું નેતૃત્વ તમારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અમને ગર્વ છે કે તમે અમારી ટીમનો હિસ્સો છો અને તે મૂલ્યોના વાહક છો જેના માટે યુએઈ જાણીતું છે—દયા, શાંતિ અને જીવનનું રક્ષણ."

હુમલા બાદ કેપ્ટન સ્મિતને સૌપ્રથમ સાઉદી અરેબિયાના તબુકમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારી તબીબી સુવિધા માટે યુએઈના અબુ ધાબી ખસેડવામાં આવ્યા હતા. યુએઈ ખાતેના ભારતીય દૂતાવાસે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "ભારતના બહાદુર કેપ્ટન સ્મિતની હાલત સુધારા પર છે અને તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. અમે તેમના પરિવાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ. યુએઈ સરકાર દ્વારા આપવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ તબીબી સારવાર અને સહયોગ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ."

હાલમાં યુએઈ તપાસ એજન્સીઓ આ સમગ્ર ઘટના પાછળના ષડયંત્ર અને હુમલાખોર કો-પાયલટના ઇરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

ગત 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ1073) દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. જ્યારે વિમાન 34,000 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે ઓમાનના નાગરિક અને કો-પાયલટ હમામ અલ-હમામીએ અચાનક કૉકપિટમાં ઇમરજન્સી માટે રાખવામાં આવતી 'ક્રેશ એક્સ' (કુહાડી) વડે કેપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર કો-પાયલટે પ્લેનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને યુએઈના અધિકારીઓ એક આતંકી કૃત્ય ગણાવી રહ્યા છે.

ગંભીર ઇજાઓ અને લોહીથી લથપથ હોવા છતાં કેપ્ટન સ્મિતે વિમાન પરનો કાબૂ છોડ્યો નહોતો. આ સંઘર્ષ દરમિયાન વિમાન અચાનક 17,000 ફૂટથી વધુ નીચે આવી ગયું હતું. સ્મિતે અપ્રતિમ સાહસ દાખવી કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેના પગલે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોએ તાત્કાલિક અંદર ઘૂસીને હુમલાખોરને દબોચી લીધો હતો. ત્યારબાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેપ્ટન સ્મિત સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. પીએમ મોદી સાથેની વાતચીતમાં સ્મિતે જણાવ્યું હતું કે, "હું મારા પોતાના જીવન માટે લડી રહ્યો હતો, પરંતુ મારા મનમાં એક જ સંકલ્પ હતો કે પ્લેનમાં સવાર એકપણ મુસાફરને મરવા નહીં દઉં."

ભારત ઉપરાંત ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતા તેમને સાચા હીરો ગણાવ્યા છે.