નવું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હોય કે જૂનામાં નામ, સરનામું કે મોબાઇલ નંબર બદલવો હોય, તો હવે કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ તમારા માટે રાહત લાવી શકે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH)એ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં કેટલાક સુધારા પ્રસ્તાવિત કર્યા છે. આ પ્રસ્તાવ 21 ઓક્ટોબરના રોજ ભારતના રાજપત્રમાં પ્રકાશિત થયો છે. હજુ આ નિયમોને અંતિમ મંજૂરી મળી નથી.
પ્રસ્તાવ મુજબ, ડ્રાઇવિંગ લાઇસન્સ પર નામ, સરનામું, મોબાઇલ નંબર કે ઈમેલ આઈડી બદલવા માટે હાલમાં લેવાતો ₹200નો ચાર્જ માફ કરવામાં આવશે. રહેઠાણ બદલવાની ફી પણ દૂર કરવાનો પ્રસ્તાવ છે. જો અરજી ઓનલાઈન આધાર પ્રમાણીકરણ દ્વારા થાય તો આ સેવાઓ વિનામૂલ્યે મળશે.
જોકે, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવામાં અરજદાર દ્વારા વિલંબ થાય તો લેટ ફી ચૂકવવી પડશે. મોટરસાયકલ માટે ₹300 અને અન્ય વાહનો માટે ₹500 લેટ ફી નક્કી કરવામાં આવી છે.
લાઇસન્સ સંબંધિત તમામ વિનંતીઓ (નવીનીકરણ, ડુપ્લિકેટ લાઇસન્સ, નામ-સરનામામાં ફેરફાર) માટે હવે એક જ ફોર્મ 2A રજૂ કરવામાં આવશે. આ ફોર્મમાં 'સારથી' (SARATHI) પોર્ટલ પર પહેલેથી રહેલી માહિતી આપોઆપ ઉમેરાઈ જશે.
નવા પ્રસ્તાવ હેઠળ, લાઇસન્સ સત્તાવાળાઓએ લાઇસન્સની વિગતોમાં ફેરફાર માટે આવેલી અરજીઓનો 15 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. જો અરજી નકારવામાં આવે તો લેખિતમાં કારણ આપવું ફરજિયાત બનશે. જો સરનામું બદલવાની અરજી 30 દિવસ સુધી અનિર્ણીત રહેશે તો તે આપોઆપ મંજૂર થયેલી ગણાશે. આનાથી સરકારી કચેરીઓમાં થતો બિનજરૂરી વિલંબ અટકશે.
વધુમાં, જો અરજદાર પોતાના લાઇસન્સમાંથી કોઈ ચોક્કસ વાહન શ્રેણી કાયમ માટે કાઢી નાખવા માંગે તો તેને અરજી કર્યાના 7 દિવસમાં પ્રક્રિયા પૂરી કરવી પડશે. એકવાર શ્રેણી કાઢી નાખ્યા પછી 1 વર્ષ સુધી તે શ્રેણીનું નવું લાઇસન્સ મળશે નહીં.
માર્ગ સલામતી વધારવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમો કડક કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે લઘુત્તમ સ્કોર 60%થી વધારીને 75% કરવામાં આવશે. સલામત ડ્રાઇવિંગ ટ્યુટોરીયલ ઓછામાં ઓછું 30 મિનિટનું રહેશે અને તેની સમયમર્યાદા 7 દિવસથી વધારીને 15 દિવસ કરવામાં આવશે.
નવા તબીબી નિયમો મુજબ, અરજદારે પોતાની નિયમિત દવાઓ, સર્જિકલ ઇમ્પ્લાન્ટ અને એલર્જીની વિસ્તૃત માહિતી આપવી પડશે. જે લોકોને વાઈ કે આંચકી આવતી હોય અને તબીબી ફોર્મમાં આ અંગે 'હા' નો વિકલ્પ પસંદ કરે છે, તેમને નવા નિયમ મુજબ મેડિકલ ક્લિયરન્સ આપવામાં આવશે નહીં.
નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ લેમિનેટેડ અથવા PVC મટીરીયલનું હશે. ભારતીય નાગરિકો માટે નારંગી અને લીલા રંગનું કાર્ડ હશે, જ્યારે વિદેશીઓ માટે વાદળી અને લીલા રંગનું અલગ કાર્ડ અપાશે. કાર્ડની આગળની બાજુએ બ્લડ ગ્રુપ, ઈમરજન્સી સંપર્ક નંબર અને અંગ દાતાની સ્થિતિ દર્શાવેલી હશે. પાછળની બાજુએ મેડિકલ કન્ડિશન અને એલર્જીની માહિતી હશે, જે અકસ્માત સમયે ડોક્ટરોને ઉપયોગી સાબિત થશે.
સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખકાર્ડ કે 3 મહિના જૂનું લાઈટ બિલ ચાલશે. ઉંમરના પુરાવા માટે માન્ય બોર્ડની માર્કશીટ, જન્મનો દાખલો કે પાસપોર્ટ અને ઓળખ માટે પાન કાર્ડ કે આધાર કાર્ડ માન્ય ગણાશે.
આ સુધારાઓ હજુ માત્ર પ્રસ્તાવિત છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. જ્યાં સુધી નવા નિયમો સત્તાવાર રીતે લાગુ ન થાય ત્યાં સુધી હાલના નિયમો જ અમલમાં રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયે આ નવા ડ્રાફ્ટ અંગે જાહેર જનતા પાસેથી 30 દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવ્યા છે. નાગરિકો પોતાના અભિપ્રાય comments-morth@gov.in પર ઈમેલ દ્વારા અથવા અધિક સચિવ (પરિવહન અને માર્ગ સલામતી)ને મોકલી શકે છે. જાહેર જનતાના સૂચનો ધ્યાનમાં લીધા બાદ જ અંતિમ કાયદો ઘડવામાં આવશે.