સત્ય. સાહસ. સંકલ્પ.

ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલવું હવે ઘરે બેઠા: RTO ના ધક્કા વગર ઓનલાઇન પ્રક્રિયા

ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલવું હવે ઘરે બેઠા: RTO ના ધક્કા વગર ઓનલાઇન પ્રક્રિયા

નોકરી કે ધંધાના કારણે તમે બીજા શહેર કે રાજ્યમાં શિફ્ટ થયા છો? તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL)માં નવું સરનામું અપડેટ કરાવવું જરૂરી છે. પહેલા આ કામ માટે RTO ના ધક્કા ખાવા પડતા હતા કે એજન્ટને મોટી ફી ચૂકવવી પડતી હતી. હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડિજિટલ ઇન્ડિયા હેઠળ આ પ્રક્રિયા સરળ બનાવી છે. પરિવહન સારથી પોર્ટલ પર આધાર-આધારિત e-KYC દ્વારા તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપથી સરનામું બદલી શકો છો.

સાચું સરનામું કેમ જરૂરી છે?

ડ્રાઇવિંગ લાઇસન્સ ફક્ત વાહન ચલાવવાની પરવાનગી નથી, તે દેશભરમાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પણ માન્ય છે. જૂનું કે ખોટું સરનામું હોય તો ટ્રાફિક ચલણ, RC ટ્રાન્સફર કે લાઇસન્સ રિન્યુઅલ જેવી કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે.

અરજી પહેલા તૈયાર રાખવાના દસ્તાવેજો

તમારું આધાર કાર્ડ, નવા સરનામાનો પુરાવો (લાઇટ બિલ, ભાડા કરાર, બેંક પાસબુક વગેરે), જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઈલ નંબર તૈયાર રાખો.

ઓનલાઇન સરનામું બદલવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

1. પરિવહન સારથી પોર્ટલ (parivahan.gov.in) પર જાઓ. 2. 'Driving Licence' સેવા પસંદ કરો. 3. 'Apply for Change of Address' પર ક્લિક કરો. 4. DL નંબર અને જન્મ તારીખ દાખલ કરો. 5. આધાર-આધારિત e-KYC કરો. 6. નવું સરનામું ભરો અને તેનો પુરાવો અપલોડ કરો. 7. ફી ભરો. 8. અરજી મંજૂર થતાં નવું લાઇસન્સ સ્પીડ પોસ્ટથી તમારા નવા સરનામે આવશે.

રાજ્ય બદલવાના કિસ્સામાં NOC

જો તમે બીજા રાજ્યમાં શિફ્ટ થયા છો, તો જૂના RTO પાસેથી NOC લેવું પડશે. પોર્ટલ પર જૂનું રાજ્ય પસંદ કરી, DL નંબર અને જન્મ તારીખ નાખો. 'Issue NOC' પસંદ કરી, નવા રાજ્ય અને નવા RTOની વિગતો તથા કારણ આપો. જૂના DLની કોપી અપલોડ કરી નિયત ફી ભરો. ચકાસણી બાદ જૂનો RTO ઓનલાઇન NOC જારી કરશે. ત્યારબાદ નવા રાજ્યનું પોર્ટલ પસંદ કરી, 'Apply for Change of Address'માં NOC નંબર અને તારીખ નાખો. નવું સરનામું ભરીને, તેનો પુરાવો અને NOC અપલોડ કરો. ફી ચૂકવ્યા બાદ મંજૂરી મળતાં નવું લાઇસન્સ તૈયાર થશે.

ફી અને સમય

સરનામું બદલવાની ફી: અંદાજે રૂ. 200 (પોસ્ટલ ચાર્જ અલગ). સમય: 15 થી 30 કામકાજના દિવસ. NOCની ફી: રૂ. 100 થી 200 (રાજ્ય મુજબ અલગ). સમય: 7 થી 15 કામકાજના દિવસ. મંજૂરીના 7 દિવસમાં નવું લાઇસન્સ સ્પીડ પોસ્ટથી મળી જશે.

આ સેવા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકારની પહેલ છે, જેનાથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સેવા મળે છે.