અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ-3' આવતીકાલે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં વિજય સાલગાંવકર પોતાના પરિવારને દુશ્મનોથી બચાવી શકશે કે પછી એક દાયકાથી છુપાવેલો રાઝ ખુલી જશે, તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરીના અંત સાથે સાથે સ્ટારકાસ્ટની ફીની પણ ચર્ચા થઈ રહી છે. તો જાણીએ કયા સ્ટારને કેટલી ફી મળી છે.
અજય દેવગનને સૌથી વધુ ફી
'દૃશ્યમ' હોય કે 'સિંઘમ' કે પછી 'ગોલમાલ', આ દરેક ફ્રેન્ચાઇઝીમાં અજય દેવગન મુખ્ય ચહેરો રહ્યો છે. તેનું સ્ટારડમ પણ મોટું છે. 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝીમાં તેણે વિજય સાલગાંવકરના પાત્રને આત્મસાત કરી લીધું છે. પરિણામે દર્શકો પણ તેને આ પાત્રમાં જોવા ઉત્સુક હોય છે. ત્યારે ફિલ્મના લીડ એક્ટર તરીકે અજય દેવગનને સૌથી વધુ ફી મળી છે. રિપોર્ટ્સ મુજબ તેને 18થી 22 કરોડ રૂપિયાની ફી મળી છે.
તબ્બૂને અજયથી 8 ગણી ઓછી ફી
ફિલ્મમાં અજય દેવગનની સામે બાંયો ચઢાવનાર અને દીકરા માટે ન્યાય માંગતી પોલીસ અધિકારી મીરા દેશમુખ એટલે કે તબ્બૂને લીડ એક્ટર અજય દેવગનથી 8 ગણી ઓછી ફી મળી રહી છે. રિપોર્ટ મુજબ તબ્બૂને આ ફિલ્મ માટે 2.5 થી 3.5 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. ફિલ્મમાં તબ્બૂ IG મીરા દેશમુખની ભૂમિકા ભજવે છે.
અન્ય હીરોઈનોએ થોડામાં સંતોષ માન્યો
ફિલ્મમાં વિજય સાલગાંવકરની પત્ની નંદિની એટલે કે શ્રિયા સરન ડગલે પગલે પતિનો સાથ આપતી જોવા મળે છે. નંદિનીનું પાત્ર વિજયને મનોબળ પૂરું પાડે છે. જોકે, ફિલ્મ માટે શ્રિયા સરનને 1 થી દોઢ કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે, જ્યારે ફિલ્મમાં વિજય અને નંદિનીની દીકરી અને ઘટનાની પાછળની સૌથી મહત્ત્વપૂર્ણ કડી અંજૂ સાલગાંવકર એટલે કે ઇશિતા દત્તાને ત્રીજા ભાગ માટે 50થી 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝીમાં શ્રિયા સરને અજયની પત્ની અને ઇશિતા દત્તાએ તેની દીકરીની ભૂમિકા ભજવી છે.
જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની એન્ટ્રી
'દૃશ્યમ'ના ત્રીજા અને છેલ્લા ભાગમાં વિજયની મુશ્કેલીઓ વધારવા માટે બે નવા તોફાન, એટલે કે પોલીસ અધિકારી રાજવીર સિંહ તોમર તરીકે જયદીપ અહલાવત અને સીનિયર વકીલ ઇન્દ્રજીત શેટ્ટીની ભૂમિકામાં પ્રકાશ રાજની એન્ટ્રી થઈ છે. બંનેની એન્ટ્રીએ ચાહકોમાં પણ ઉત્સુકતા વધારી દીધી છે. 'ધુરંધર' હિટ થતાં અક્ષય ખન્નાએ 'દૃશ્યમ' સાથે છેડો ફાડ્યો ને જયદીપની એન્ટ્રી થઈ. જોકે, જયદીપ અને પ્રકાશ રાજને કેટલી ફી ચૂકવવામાં આવી છે, તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. પરંતુ ફિલ્મમાં તબ્બૂના પતિ મહેશ દેશમુખની ભૂમિકા ભજવનાર રજત કપૂરને 40-70 લાખની ફી મળી હોવાના અહેવાલ છે.
'દૃશ્યમ-3'ની રિલીઝ પર લટકતી તલવાર
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દૃશ્યમ 3: ધ કન્ક્લુઝન'ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટમાં મેસર્સ રાજકુમાર થિયેટર પ્રાઇવેટ લિમિટેડે મેસર્સ વાઇડ એંગલ ક્રિએશન્સ વિરુદ્ધ અરજી દાખલ કરીને ફિલ્મની વિશ્વવ્યાપી રિલીઝ અને વિતરણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. કંપનીનો આરોપ છે કે તેમની મંજૂરી વિના ફિલ્મનું હિન્દી વર્ઝન બનાવવું કૉપિરાઇટના નિયમોનું ઉલ્લંઘન છે. જોકે મદ્રાસ હાઈકોર્ટે કેસની સુનાવણી મુલતવી રાખી છે.
કૉપિરાઇટના ઉલ્લંઘનનો આરોપ, કોર્ટે સુનાવણી મુલતવી રાખી
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ કે. કુમારેશ બાબુની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ. 'દૃશ્યમ 3' વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કૉપિરાઇટ સંબંધિત મધ્યસ્થતા (આર્બિટ્રેશન)નો મામલો ઉકેલાઈ ન જાય, ત્યાં સુધી ફિલ્મને વિશ્વભરમાં પ્રદર્શિત કરવામાં ન આવે. કંપનીનો દાવો છે કે તેની પાસે ફિલ્મના એડેપ્ટેશન રાઇટ્સ અને કૉપિરાઇટ અધિકારો છે, જેનો ઉલ્લંઘન કરીને આ હિન્દી રીમેક બનાવવામાં આવી છે.
એડવાન્સ બુકિંગ 18 કરોડ રૂપિયા પાર
કાનૂની વિવાદ વચ્ચે ફિલ્મની એડવાન્સ બુકિંગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ વેબસાઇટ સૈકનિલ્કના અહેવાલ અનુસાર, આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 18.48 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. બ્લોક સીટ્સને બાદ કરતાં આ આંકડો 12.21 કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં 21,281 શો માટે આશરે 4.77 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે. ફિલ્મના 24 શો સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ચૂક્યા છે. ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર, દેશના મુખ્ય બજારોમાં એડવાન્સ બુકિંગના આંકડા ઘણા મજબૂત છે. શરૂઆતના અંદાજ મુજબ, ફિલ્મ ભારતમાં પહેલા દિવસે 40 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી શકે છે.