સત્ય. સાહસ. સંકલ્પ.

દૃશ્યમ 3 સમીક્ષા: 2 ઑક્ટોબર પછી હવે 23 જુલાઈનું રહસ્ય, વિજય સામે રાજવીર

દૃશ્યમ 3 સમીક્ષા: 2 ઑક્ટોબર પછી હવે 23 જુલાઈનું રહસ્ય, વિજય સામે રાજવીર

‘દૃશ્યમ’ શ્રેણીના ચાહકો માટે 2 ઑક્ટોબરની તારીખ ખાસ છે. પાવ ભાજી, સત્સંગ, ફિલ્મ અને વિજય સાલગાંવકરની એ રમત, જેણે પોલીસને વર્ષો સુધી ગૂંચવણમાં મૂકી. પણ આ વખતે વાર્તા 2 ઑક્ટોબર પર અટકતી નથી. હવે એક નવી તારીખ સામે આવે છે – 23 જુલાઈ.

તો તે દિવસે વિજય ક્યાં હતો? શું થયું હતું? શું આ તારીખના આધારે પોલીસ વિજયની કહાણીને પલટી શકશે? અહીંથી ફિલ્મ પોતાની અસલી રમત શરૂ કરે છે. સામે છે પોલીસ અધિક્ષક રાજવીર સિંહ તોમર, જેમની પાસે પ્રશ્નો પણ છે અને વિજયને ઘેરવાનો ઈરાદો પણ. બીજી બાજુ વિજય છે, જેની સૌથી મોટી તાકાત તેનું દિમાગ છે.

ફિલ્મ ઘણી વાર તમને વિશ્વાસ અપાવે છે કે આ વખતે વિજય ફસાઈ ગયો છે. પછી વિજય ચૂપ થઈ જાય છે. તમે વિચારવા લાગો છો કે આખરે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે? આ જ ફિલ્મની મજા છે. જોકે દરેક ચાલ એટલી દમદાર નથી અને કેટલીક જગ્યાએ વાર્તા થોડી સરળ લાગે છે.

ફિલ્મની વાર્તા શું છે?

સાલગાંવકર પરિવાર પોતાના જૂના જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સેમ દેશમુખના મૃત્યુનું દુઃખ મીરા દેશમુખ (તબ્બૂ)ના મનમાં હજુ જીવંત છે. મીરા અને મહેશ દેશમુખ માટે મામલો પૂરો થયો નથી. કેસ ફરી ખૂલે છે અને પોલીસ અધિક્ષક રાજવીર સિંહ તોમરની એન્ટ્રી થાય છે.

રાજવીર જૂના પુરાવાઓને નવા દૃષ્ટિકોણથી જુએ છે. વિજય સાલગાંવકર ફરી પોલીસની નજરમાં આવે છે. હવે પ્રશ્ન માત્ર એટલો નથી કે વિજયે 2 ઑક્ટોબરે શું કર્યું હતું. પ્રશ્ન એ પણ છે કે 23 જુલાઈએ વિજય ક્યાં હતો અને આ તારીખનો જૂના કેસ સાથે શું સંબંધ છે?

વકીલ ઇન્દ્રજિત શેટ્ટી પણ આ રમતમાં ઉતરે છે. ઇન્સ્પેક્ટર ગાયતોંડે પોતાના જૂના અંદાજમાં કેસને થોડો હળવો રાખે છે. આ પછી વિજય અને રાજવીર વચ્ચેની દિમાગી ટક્કર શરૂ થાય છે. એક તરફ કાયદો છે. બીજી તરફ વિજય છે, જે કાયદાના પુસ્તકો વાંચતો નથી, પરંતુ કાયદાને પોતાની રીતે વાળવાનું જાણે છે.

ફિલ્મમાં અભિનય કેવો છે?

ફિલ્મની સૌથી મોટી તાકાત અજય દેવગન અને જયદીપ અહલાવતની ટક્કર છે. અજય દેવગનનું ‘વિજય’ હવે માત્ર એક પાત્ર રહ્યું નથી. ચહેરા પર ઓછી હલચલ છે, અવાજમાં પણ ઓછો ફેરફાર છે, પરંતુ તેની આંખો ઘણું બધું કહી જાય છે. તમે વિજયને જુઓ છો અને વિચારો છો કે આખરે તે આટલો શાંત કેમ છે? આ જ શાંતિ વાર્તાના રોમાંચમાં વધારો કરે છે.

બીજી તરફ જયદીપ અહલાવત છે. રાજવીરના રૂપમાં તેનો અંદાજ શાંત છે. તે ધીમે-ધીમે વિજયની નજીક આવે છે. આ જ તેનું સૌથી મોટું હથિયાર છે. શરૂઆતમાં બંનેની ટક્કર ફિલ્મને જકડી રાખે છે. કેટલીક જગ્યાએ ફિલ્મ ધીમી પડે છે, પરંતુ અજય અને જયદીપ સામસામે આવતાં જ રોમાંચ ફરી વધી જાય છે.

પ્રકાશ રાજ પણ પોતાના પાત્રમાં શાનદાર છે. તેમના સંવાદો અને અંદાજ કોર્ટના દૃશ્યોને મજબૂત બનાવે છે. ‘દૃશ્યમ 3’માં પ્રકાશ રાજ એક વકીલની ભૂમિકામાં છે.

શ્રિયા સરનને આ વખતે અગાઉના બંને ભાગોની સરખામણીએ ઓછી જગ્યા મળી છે. જોકે, તેના ભાવનાત્મક દૃશ્યો અસર છોડે છે. તબ્બૂ અને રજત કપૂર પોતાના દીકરાને ગુમાવવાનું દુઃખ લઈને પરત ફર્યા છે. બંનેના પાત્રોમાં બેચેની સ્પષ્ટ જોવા મળે છે.

પછી આવે છે ગાયતોંડે. ગંભીર વાર્તાની વચ્ચે આ પાત્ર હસવાની તક આપે છે. 2 ઑક્ટોબરના મીમ્સ, પાવ ભાજી અને પોતાની પોલીસ સંબંધિત પરેશાનીઓ સાથે ગાયતોંડે ફિલ્મના તણાવને હળવો કરે છે.

ફિલ્મનું ડિરેક્શન કેવું છે?

અભિષેક પાઠકની સારી વાત એ છે કે, તેમણે ત્રીજા ભાગને પહેલા બે ભાગોની નકલ બનવા દીધી નથી. વાર્તામાં નવા પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે. તેમાં 23 જુલાઈવાળી કડી સૌથી રસપ્રદ છે.

ફિલ્મ ઝડપથી વાર્તામાં પ્રવેશી જાય છે. કોણ કોણ છે તે સમજાવવામાં વધારે સમય વેડફવામાં આવ્યો નથી. દર્શક વિજયની દુનિયાથી પહેલેથી જ પરિચિત છે. તેથી ફિલ્મ સીધી રમત શરૂ કરે છે.

પરંતુ આ જ તેની નબળાઈ પણ છે. વિજય અને તેના પરિવાર વચ્ચેનો ભાવનાત્મક સંબંધ પહેલા બે ભાગોમાં વધુ મજબૂત હતો. આ વખતે વાર્તા વધુ એ વાત પર આધારિત છે કે વિજય હવે પછીની ચાલ શું ચાલશે. રોમાંચ વધ્યો છે. પરિવારવાળો ભાવ થોડો ઓછો થયો છે.

અભિષેક પાઠકે ‘દૃશ્યમ 3’ પહેલાં ‘દૃશ્યમ 2’ અને ‘ઉજડા ચમન’નું ડિરેક્શન કર્યું છે.

ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે કેવો છે?

સ્ક્રીનપ્લેની સૌથી મોટી તાકાત એ છે કે ફિલ્મ જવાબ આપવાને બદલે સતત નવા પ્રશ્નો ઊભા કરે છે. 23 જુલાઈ શું છે? રાજવીર પાસે એવું શું છે, જેનાથી વિજય પરેશાન છે? વિજય આટલો શાંત કેમ છે? અને સૌથી મોટો પ્રશ્ન – શું આ વખતે તેની કોઈ ચાલ કામ નહીં કરે? આ જ પ્રશ્નો તમને આગળ લઈ જાય છે.

ઇન્ટરવલની આસપાસ ફિલ્મ સારી પકડ બનાવે છે.