સત્ય. સાહસ. સંકલ્પ.

'દૃશ્યમ 3' નો કોયડો ઉકેલતી ગાયત્રી મોહન બની જામનગરની સંવેદના; અજય દેવગનની વકીલ બનવાનો અનુભવ શેર કર્યો

'દૃશ્યમ 3' નો કોયડો ઉકેલતી ગાયત્રી મોહન બની જામનગરની સંવેદના; અજય દેવગનની વકીલ બનવાનો અનુભવ શેર કર્યો

આજે 'દૃશ્યમ 3' થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અજય દેવગનના પાત્ર વિજય સલગાંવકરનો બચાવ કરતી વકીલ ગાયત્રી મોહનનું પાત્ર ભજવનારી અભિનેત્રી સંવેદના સુવાલકાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જામનગરમાં મોટી થયેલી સંવેદનાએ ફિલ્મના અનુભવથી લઈને અજય દેવગન અને પ્રકાશ રાજ સાથે કામ કરવા સુધીની અનેક રસપ્રદ વાતો શેર કરી.

સંવેદના 'દૃશ્યમ 2'થી આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બની હતી. ફિલ્મમાં વિજય સલગાંવકરનો કેસ કોર્ટમાં પહોંચે છે અને તેની વકીલ તરીકે ગાયત્રી મોહનની એન્ટ્રી થાય છે. રસપ્રદ વાત એ છે કે સંવેદનાએ આ રોલ માટે ઓડિશન આપ્યું ત્યારે તેણે 'દૃશ્યમ'નો પહેલો ભાગ જોયો જ નહોતો.

સંવેદનાએ કહ્યું, 'જ્યારે મેં 'દૃશ્યમ 2' માટે ઓડિશન આપ્યું ત્યાં સુધી મેં 'દૃશ્યમ'નો પહેલો ભાગ જોયો જ નહોતો. ઓડિશનમાં સિલેક્ટ થયા બાદ મેં પહેલી ફિલ્મ જોઈ અને ત્યારે સમજાયું કે લોકો આ ફ્રેન્ચાઈઝીને આટલો પ્રેમ કેમ કરે છે. ત્યારથી હું પણ 'દૃશ્યમ'ની બહુ મોટી ફેન બની ગઈ છું.'

ફિલ્મની ઓફર કેવી રીતે મળી તે અંગે તેણે કહ્યું કે વર્ષોથી ઓડિશન આપતી હોવાથી કાસ્ટિંગ ડિરેક્ટર્સ તેના કામથી પરિચિત હતા. જ્યારે ગાયત્રીના પાત્ર માટે કાસ્ટિંગ શરૂ થયું ત્યારે તેને ઓડિશન માટે બોલાવવામાં આવી. ત્યાર બાદ તે શોર્ટલિસ્ટ થઈ અને આખરે ફિલ્મનો હિસ્સો બની.

તે કહે છે, 'ગાયત્રીનું પાત્ર એટલું યાદ રહી ગયું તેનું કારણ માત્ર સ્ક્રીન ટાઈમ નથી, પરંતુ ફિલ્મનું શાર્પ રાઈટિંગ છે. બંને ભાગમાં પાત્રનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત હતો અને ખાસ કરીને ક્લાઈમેક્સમાં તેની એન્ટ્રી હતી, છતાં રાઈટિંગને કારણે દર્શકોના મગજમાં તેની છાપ રહી ગઈ.'

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સાઉથની રિમેક ફિલ્મ છે તો તમે પાત્ર માટે તેમાંથી સીન જોયા હોતા, જેના જવાબમાં તેણે જણાવ્યું- બે પાર્ટ સુધી વાર્તા સેમ છે પણ વિઝ્યુલી ઘણી બધી વસ્તુઓ અલગ છે, બોલિવૂડ સ્ટાઈલ કહાનીને દેખાડવામાં આવી છે. તો સાઉથની ફિલ્મ અલગ છે અને બોલિવૂડની ફિલ્મ અલગ છે હું ચોક્કસથી એવું કહીશ. ઉપરાંત પાર્ટ-3એ ઓરિજિનલ સ્ટોરી છે તે સાઉથની રિમેક નથી.

ગાયત્રી મોહનનું પાત્ર ભજવવા સંવેદનાએ કોર્ટરૂમના રિયલ સીન અને વકીલોની કામગીરીનું ઓબ્ઝર્વ કર્યું હતું. વકીલોની બોડી લેંગ્વેજ, દલીલ કરવાની રીત અને કોર્ટરૂમમાં વાતચીતના અંદાજને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાત્રની સૌથી મજેદાર તૈયારીની વાત તે પોતાના બાળપણ સાથે જોડે છે.

તેણે કહ્યું- 'મારી ખરી તૈયારી તો બાળપણમાં જ થઈ ગઈ હતી. હું 6-7 વર્ષની હતી ત્યારે મમ્મી સાથે ખૂબ દલીલો કરતી. જ્યારે મારી પાસે એટલા બધા જવાબો હોય કે મમ્મી પાસે કંઈ બોલવાનું ન રહે, ત્યારે તેઓ ગુસ્સામાં કહેતાં કે 'આ મોટી થઈને વકીલ બનશે, આની સામે કોઈ નહીં જીતી શકે!' આજે મમ્મી હસીને કહે છે કે 'જો મેં કહ્યું હતું ને કે તું વકીલ બનીશ!'

'દૃશ્યમ 2'થી સંવેદના આ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની. 'પ્રકાશ સરને પડદા પર હંમેશા વિલન તરીકે જોયા હતા' એમ કહીને તેણે પ્રકાશ રાજ સાથેના અનુભવને યાદ કર્યો. 'દૃશ્યમ'માં કોર્ટરૂમના સીન એટલે તણાવ, દલીલો અને સામસામે ઊભેલા બે મહાન કલાકારો - અજય દેવગન અને પ્રકાશ રાજ. આ સીનમાં કામ કરવાનો અનુભવ તેના માટે ખૂબ જ ખાસ રહ્યો.