સત્ય. સાહસ. સંકલ્પ.

દૃશ્યમ 3માં અજય દેવગનની વકીલ બનેલી જામનગરની સંવેદનાનો ઇન્ટરવ્યૂ: 'પહેલો ભાગ જોયા વગર ઓડિશન આપ્યું હતું'

દૃશ્યમ 3માં અજય દેવગનની વકીલ બનેલી જામનગરની સંવેદનાનો ઇન્ટરવ્યૂ: 'પહેલો ભાગ જોયા વગર ઓડિશન આપ્યું હતું'

‘દૃશ્યમ’ ફ્રેન્ચાઈઝીનો અંતિમ ભાગ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ થિયેટર્સમાં આવ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગનના પાત્ર વિજય સલગાંવકરની વકીલ ગાયત્રી મોહનનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ સંવેદના સુવાલકાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. સંવેદના મૂળ જામનગરની રહેવાસી છે.

સંવેદનાએ ‘દૃશ્યમ 2’થી આ ફ્રેન્ચાઈઝીમાં પ્રવેશ કર્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ 2’ માટે ઓડિશન આપ્યું ત્યારે તેણે ‘દૃશ્યમ’નો પહેલો ભાગ જોયો જ નહોતો. ઓડિશનમાં પસંદ થયા બાદ તેણે પહેલી ફિલ્મ જોઈ અને ત્યારે સમજાયું કે લોકો આ ફ્રેન્ચાઈઝીને આટલો પ્રેમ કેમ કરે છે. ત્યારથી તે પણ ‘દૃશ્યમ’ની મોટી ફેન બની ગઈ છે.

ફિલ્મની ઓફર કેવી રીતે મળી તે અંગે તેણે કહ્યું કે વર્ષોથી ઓડિશન આપતી હોવાથી કાસ્ટિંગ ડિરેક્ટર્સ તેના કામથી પરિચિત હતા. જ્યારે ગાયત્રીના પાત્ર માટે કાસ્ટિંગ શરૂ થયું ત્યારે તેને ઓડિશન માટે બોલાવવામાં આવી. ત્યાર બાદ તે શોર્ટલિસ્ટ થઈ અને આખરે ફિલ્મનો હિસ્સો બની.

ગાયત્રીનું પાત્ર યાદગાર કેમ બન્યું તે અંગે તેણે કહ્યું, ‘ગાયત્રીનું પાત્ર એટલું યાદ રહી ગયું તેનું કારણ માત્ર સ્ક્રીન ટાઈમ નથી, પરંતુ ફિલ્મનું શાર્પ રાઈટિંગ છે. બંને ભાગમાં પાત્રનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત હતો અને ખાસ કરીને ક્લાઈમેક્સમાં તેની એન્ટ્રી હતી, છતાં રાઈટિંગને કારણે દર્શકોના મગજમાં તેની છાપ રહી ગઈ.’

‘દૃશ્યમ’ મૂળ મલયાલમ ફિલ્મની રિમેક છે. સંવેદનાને પૂછવામાં આવ્યું કે ગાયત્રી મોહનના પાત્રની તૈયારી કરતી વખતે તેણે સાઉથની ફિલ્મમાં આ જ પાત્ર ભજવનાર એક્ટ્રેસના સીન જોયા હતા કે કેમ? જવાબમાં તેણે કહ્યું કે બંને ફિલ્મોની મૂળ કહાણી એક જ હોવા છતાં તેને રજૂ કરવાની રીતમાં મોટો તફાવત છે. સંવેદનાએ કહ્યું, “બે પાર્ટ સુધીની સ્ટોરી સેમ છે, પરંતુ વિઝ્યુઅલી ઘણી બધી વસ્તુઓ અલગ છે. અહીં વાર્તાને બોલિવૂડ સ્ટાઈલમાં દેખાડવામાં આવી છે. એટલે સાઉથની ફિલ્મ અલગ છે અને બોલિવૂડની ફિલ્મ અલગ છે, એવું હું ચોક્કસ કહીશ. ઉપરાંત પાર્ટ-3 એ ઓરિજિનલ સ્ટોરી છે, તે સાઉથની રિમેક નથી.”

વકીલના પાત્રની તૈયારી માટે સંવેદનાએ કોર્ટરૂમના રિયલ સીન અને વકીલોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વકીલોની બોડી લેંગ્વેજ, દલીલ કરવાની રીત અને કોર્ટરૂમમાં વાતચીતના અંદાજને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાત્રની સૌથી રસપ્રદ તૈયારીની વાત તે પોતાના બાળપણ સાથે જોડે છે. તેણે કહ્યું, ‘મારી ખરી તૈયારી તો બાળપણમાં જ થઈ ગઈ હતી. હું 6-7 વર્ષની હતી ત્યારે મમ્મી સાથે ખૂબ દલીલો કરતી. જ્યારે મારી પાસે એટલા બધા જવાબો હોય કે મમ્મી પાસે કંઈ બોલવાનું ન રહે, ત્યારે તેઓ ગુસ્સામાં કહેતાં કે ‘આ મોટી થઈને વકીલ બનશે, આની સામે કોઈ નહીં જીતી શકે!’ આજે મમ્મી હસીને કહે છે કે ‘જો મેં કહ્યું હતું ને કે તું વકીલ બનીશ!’