અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'દૃશ્યમ 3'એ રિલીઝના માત્ર સાત દિવસમાં ભારતમાં 245.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મ અજય દેવગનની કારકિર્દીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે 'ગોલમાલ અગેઇન' (205.69 કરોડ) અને 'દૃશ્યમ 2' (239.67 કરોડ)ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધા છે.
ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના આંકડા મુજબ, ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેક્શન 294.60 કરોડ રૂપિયા અને ઓવરસીઝમાં 89 કરોડ રૂપિયા રહ્યું છે. વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન 383.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ગાંધી જયંતીના અવસરે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 62 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. શનિવારે 53.50 કરોડ અને રવિવારે 61 કરોડ રૂપિયાની કમાણી થઈ. જોકે, સોમવારે કલેક્શન ઘટીને 21 કરોડ રૂપિયા થયું, પરંતુ ફિલ્મની પકડ હજુ જળવાઈ છે. સાતમા દિવસે ગુરુવારે ફિલ્મે ભારતમાં 13 કરોડ અને ઓવરસીઝમાં 4 કરોડ રૂપિયા કમાયા.
245.50 કરોડના નેટ કલેક્શન સાથે 'દૃશ્યમ 3' આ ફ્રેન્ચાઇઝીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. 2022માં આવેલી 'દૃશ્યમ 2'એ 239.67 કરોડ અને 2015માં આવેલી 'દૃશ્યમ'એ 67 કરોડ રૂપિયાનો લાઇફટાઇમ બિઝનેસ કર્યો હતો.
અજય દેવગનની લીડ એક્ટર તરીકેની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વૉરિયર' (279.59 કરોડ) છે. 'દૃશ્યમ 3' હવે બીજા સ્થાને છે. તેણે 'ગોલમાલ અગેઇન' (205.69 કરોડ), 'ટોટલ ધમાલ' (155.67 કરોડ), 'શૈતાન' (145.64 કરોડ) અને 'સિંઘમ રિટર્ન્સ' (140.60 કરોડ)ને પાછળ છોડી દીધા છે. 'તાન્હાજી'નો રેકોર્ડ તોડવા માટે 'દૃશ્યમ 3'ને હજુ આશરે 34 કરોડ રૂપિયાની જરૂર છે.
'દૃશ્યમ 3' માટે બીજું અઠવાડિયું પણ કમાણીની દૃષ્ટિએ મજબૂત રહેવાની આશા છે, કારણ કે સિનેમાઘરોમાં તેની સામે કોઈ નવી હિન્દી ફિલ્મ નથી. આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની એક્શન કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' 9 ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતાઓએ તેની રિલીઝ 23 ઑક્ટોબર કરી દીધી છે. આથી 'દૃશ્યમ 3'ને સોલો રિલીઝનો લાભ મળશે.