સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આજથી બે દિવસ ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો

ગુજરાતમાં આજથી બે દિવસ ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો

આજે 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરના રોજ આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે. ગુજરાતમાં સ્વચ્છ આકાશ અને ચંદ્રના ઓછા પ્રકાશને કારણે ઉત્તર ગોળાર્ધમાં આ ઉલ્કા વર્ષા સ્પષ્ટ દેખાશે. 'ગિયાકોબિનીક્સ' ધૂમકેતુમાંથી ઉદ્ભવતી આ ઉલ્કાઓ 20 કિ.મી./સેકન્ડની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી આકાશી આતશબાજી સર્જશે. 1933 અને 1946માં હજારો ઉલ્કાઓ જોવા મળી હતી.

ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષા 8 અને 9 ઓક્ટોબરે ધરતીના ઉત્તર ગોળાર્ધમાં જ્યાં પણ રાત્રિનું આકાશ સ્વચ્છ હશે ત્યાં જોવા મળશે. ગુજરાતમાં હાલ સૂર્યપ્રકાશિત હવામાનને લીધે આકાશ સ્વચ્છ છે અને ભાદરવા વદ (કૃષ્ણપક્ષ)ને લીધે ચંદ્રનો પ્રકાશ આકાશમાં નહીવત હોય જેથી આ ઉલ્કા વર્ષા ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં નિહાળવી વધુ સુગમ બનશે.

'ગિયાકોબિનીક્સ' તરીકે ઓળખાતા ધૂમકેતુમાંથી આ ઉલ્કાઓ ઉદ્ભવે છે. આ ઉલ્કાઓ, જેને અંગ્રેજીમાં મિટીયોર કહે છે, તેનું મૂળ ઉદગમ સ્થાન 21P/ગિયાકોબિની-જિનર નામનો ધૂમકેતુ છે અને તેથી અગાઉ તે ગિયાકોબિનીક્સ તરીકે પણ ઓળખાતી હતી. આ ઉલ્કાની ઝડપ પ્રતિ સેકન્ડે 20 કિ.મી. એટલે કે કલાકના 72,000 કિ.મી. હોય છે. અવકાશમાં આ ઝડપ ધીમી ગણાય છે, કારણ કે અન્ય કેટલીક ઉલ્કાઓની ઝડપ 1,50,000 કિ.મી.થી વધારે હોય છે.

આ ઉલ્કા વર્ષાનું કારણ એ છે કે ધૂમકેતુઓ સૂર્યના પરિભ્રમણ દરમિયાન ઘણીવાર પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે અને ત્યારે ધૂમકેતુમાંથી છૂટા પડેલા કણો ઉપરોક્ત તીવ્ર ગતિએ પૃથ્વી તરફ ધસે છે, જેથી પૃથ્વીના ઉપરી મજબૂત આવરણ સાથે ટકરાતા કમ્પ્રેશન, ફીક્શન અને હીટના કારણે તે નાનકડા અગનગોળામાં ફેરવાઈને તેજ લીસોટા કે ખરતા તારા જેવા દેખાય છે. આ દ્રશ્ય અદ્ભુત હોય છે. ડ્રેકોનિડ્સ નામના આ ઉલ્કાપિંડો ઈ.સ. 1933 અને 1946માં પ્રતિ કલાકે હજારોની સંખ્યામાં પૃથ્વીના આવરણ સાથે ટકરાયા હતા અને પ્રચંડ ઐતિહાસિક ઉલ્કા તોફાન સર્જાયું હતું. તો છેલ્લે આજથી બરાબર 15 વર્ષ પહેલા 8-10-2011ના ઉલ્કા વિસ્ફોટ સર્જાયો હતો અને જ્યારે આવું બને ત્યારે એક સાથે હજારો ઉલ્કાપિંડના ચમકતા ગોળા નજરે પડે છે.