સત્ય. સાહસ. સંકલ્પ.

દહેજના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કેનાલમાં ઝંપલાવ્યું: શાહીબાગમાં ઘટના

દહેજના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કેનાલમાં ઝંપલાવ્યું: શાહીબાગમાં ઘટના

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. 40 વર્ષીય પરિણીતાએ સાસરિયાના કથિત ત્રાસથી કંટાળીને રાયપુર કેનાલમાં ઝંપલાવી દીધું, જેમાં તેમનું મૃત્યુ થયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સોનલબેનના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં શાહીબાગમાં રહેતા પરેશ સોલંકી સાથે થયા હતા. તેમને 11 વર્ષનો પુત્ર છે. લગ્નજીવનની શરૂઆત ઠીક રહી, પરંતુ આશરે દસ વર્ષ પહેલાં પતિના વેપારમાં નુકસાન થતાં પરિવાર પર દેવું થઈ ગયું હતું. ત્યારથી સાસરિયાઓ સોનલબેનને પિયરમાંથી પૈસા લાવવા માટે સતત મેણાં-ટોણાં મારતા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાસરિયાઓ 'તું પિયરમાંથી કંઈ લાવી નથી, તું અમને ગમતી નથી' જેવા શબ્દો કહીને હેરાન કરતા હતા અને પતિ બીજી પત્ની લાવવાની ધમકી પણ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને સોનલબેને પોતાના પિતાને ફોન કર્યો હતો અને કેનાલમાં પડવાની વાત કરી હતી.

પિતા અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં સોનલબેનનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. મૃતદેહને બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

મૃતકના પિતા અંબારામ વાઘેલાની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે પતિ પરેશ સોલંકી, સાસુ ખેમીબેન, જેઠ અરૂણભાઈ, જીતુભાઈ, જેઠાણી જયાબેન અને હર્ષિદાબેન સહિત છ સાસરિયાઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.