વૈશ્વિક નાણાકીય બજારમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. અમેરિકી સરકારની નવી આર્થિક નીતિઓ અને વધતા દેવાને કારણે અમેરિકન ડોલર નબળો પડી શકે છે, જ્યારે સોનાના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની શક્યતા છે.
દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેફરીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, અમેરિકી નાણા મંત્રાલય લાંબા ગાળાના દેવાની પડતર (બોન્ડ યીલ્ડ)ને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પગલાંથી ડોલરના અવમૂલ્યન અને મોંઘવારીને લઈને ચિંતાઓ વધી છે.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે સરકાર લાંબા સમયની મેચ્યોરિટીવાળા સરકારી બોન્ડ્સને પાછા ખરીદવાનો દાયરો વધારી શકે છે. આ સિવાય બોન્ડ ખરીદવા માટે 'ટ્રેઝરી જનરલ એકાઉન્ટ' (TGA)માં જમા નાણાંનો પણ ઉપયોગ થઈ શકે છે.
હાલમાં 10-વર્ષીય અમેરિકી ટ્રેઝરી યીલ્ડ 4.77 ટકાની આસપાસ છે, જે બેસેન્ટ દ્વારા નક્કી કરાયેલી 4.75 ટકાની અનૌપચારિક સીમાની નજીક છે. સરકારનો ઉદ્દેશ્ય દેવું ચૂકવવાની પડતરને મર્યાદામાં રાખવાનો છે.
જેફરીઝનું માનવું છે કે, લાંબા સમયના વ્યાજ દરોને બળજબરીપૂર્વક નિયંત્રિત કરવાની આ નીતિના ગંભીર પરિણામો આવી શકે છે. જો સરકાર બજારના પરિબળોને બદલે નીતિઓ દ્વારા યીલ્ડને દબાવવાનો પ્રયાસ કરશે, તો ડોલરની ખરીદશક્તિ નબળી પડી શકે છે અને મોંઘવારી વધી શકે છે.
રિપોર્ટમાં અમેરિકામાં મોંઘવારી દરનું દબાણ પણ દર્શાવવામાં આવ્યું છે. હેડલાઇન CPI અને કોર PCE મોંઘવારી દર છેલ્લા 65 મહિનાથી ફેડરલ રિઝર્વના 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. તેમજ છેલ્લા 12 ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો નોમિનલ GDP વૃદ્ધિ દર સરેરાશ 5.7 ટકા રહ્યો છે, જે 2019 પહેલાના સરેરાશ 4.7 ટકા કરતાં વધુ છે. 11 સપ્ટેમ્બરે આવનારા CPI આંકડા ફેડરલ રિઝર્વના આગામી નિર્ણયો માટે નિર્ણાયક રહેશે.
સરકારી દેવા ઉપરાંત, ટેકનોલોજી કંપનીઓ (Hyperscalers) દ્વારા પણ બોન્ડ બજારમાંથી ભારે દેવું લેવાઈ રહ્યું છે. વર્ષ 2026માં અત્યાર સુધી આ કંપનીઓએ 223 અબજ ડોલરના કોર્પોરેટ બોન્ડ બહાર પાડ્યા છે, જે 2025ના 108 અબજ ડોલર કરતાં બમણાથી વધુ છે. આથી લાંબા ગાળાના ફંડ્સ માટે હરીફાઈ વધી છે.
ડોલરમાં કડાકાની આશંકા, સતત મોંઘવારી અને બોન્ડ માર્કેટમાં અનિશ્ચિતતાને કારણે સોનું સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. જેફરીઝના મતે, આવનારા સમયમાં સોના અને ગોલ્ડ-માઇનિંગ સેક્ટરના શેરોમાં રોકાણની માંગ વધવાના સ્પષ્ટ સંકેતો છે.