સત્ય. સાહસ. સંકલ્પ.

1 નવેમ્બરથી DLC 5.0 શરૂ: પેન્શનરો હવે ઘરે બેઠા ફેસ સ્કેનથી જમા કરાવી શકશે લાઈફ સર્ટિફિકેટ

1 નવેમ્બરથી DLC 5.0 શરૂ: પેન્શનરો હવે ઘરે બેઠા ફેસ સ્કેનથી જમા કરાવી શકશે લાઈફ સર્ટિફિકેટ

પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ‘DLC Campaign 5.0’ હેઠળ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. આ અભિયાન 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલશે. દેશભરના આશરે 2,000 શહેરો અને જિલ્લાઓમાં 2.30 કરોડ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

દર વર્ષે પેન્શનરોએ પોતે હયાત હોવાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત હોય છે. અગાઉ આ પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેન્ક અથવા સરકારી કચેરીઓની લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું. પરંતુ આ વખતે પેન્શનરોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી.

આ અભિયાનની સૌથી મોટી ખાસિયત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી છે. અગાઉ ફિંગરપ્રિન્ટ કે આંખોના સ્કેન માટે અલગ બાયોમેટ્રિક મશીનની જરૂર પડતી હતી, જેમાં ઘણીવાર વડીલોની ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની સમસ્યા આવતી. હવે કોઈ વધારાના ડિવાઈસ વગર માત્ર એન્ડ્રોઈડ કે iOS સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરાથી ચહેરો સ્કેન કરીને ઘરે બેઠાં જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) જમા કરી શકાય છે. ઘરનો કોઈ પણ યુવા સભ્ય પોતાના વડીલો માટે આ પ્રક્રિયા માત્ર થોડી મિનિટોમાં પૂર્ણ કરી શકે છે.

મોબાઈલથી સર્ટિફિકેટ જમા કરાવવા માટેની પ્રક્રિયા:

  • સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી Jeevan Pramaan App (અને જરૂરી Face RD App) ડાઉનલોડ કરો.
  • એપ ઓપન કરી આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
  • મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP નાખીને વેરિફિકેશન પૂર્ણ કરો.
  • સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરા સામે ચહેરો રાખીને લાઈવ ફેસ સ્કેનિંગ કરો.
  • ત્યારબાદ પેન્શનરનો પ્રકાર, PPO નંબર, સંબંધિત બેન્ક અથવા પેન્શન એજન્સીની વિગતો અને સેન્ક્શન ઓથોરિટીની માહિતી ભરો.
  • સબમિટ કરતાં જ તમારું Jeevan Pramaan ID જનરેટ થઈ જશે, જેને તમે ડાઉનલોડ કરીને સાચવી શકો છો.

પથારીવશ વડીલો માટે ઘરે સેવા અને કેમ્પમાં હેલ્થ ચેકઅપ:

  • ઘરે બેઠા સહાય: જે વૃદ્ધો બીમાર છે, પથારીવશ છે કે ચાલી-ફરી શકતા નથી અને બેન્ક સુધી પહોંચવામાં અસમર્થ છે, તેમને ઘરે જઈને આ ડિજિટલ સુવિધા પૂરી પાડવામાં આવશે.
  • આરોગ્ય તપાસ અને આધાર સહાય: દેશભરમાં યોજાનારા વિશેષ શિબિરોમાં પેન્શનર્સ માટે સામાન્ય સ્વાસ્થ્ય તપાસ અને આધાર કાર્ડ સંબંધિત સુધારા-વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
  • ફરિયાદ નિવારણ અધિકારી: પ્રમાણપત્ર જમા કરાવતી વખતે જો કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્પેશિયલ કમ્પ્લેઈન્ટ ઓફિસર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

આ અભિયાનમાં તમામ અગ્રણી પેન્શન ડિસ્બર્સિંગ બેન્કો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB), ભારતીય રેલવે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO), સંરક્ષણ મંત્રાલય (CGDA), યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) સંયુક્ત રીતે કાર્યરત છે.