સત્ય. સાહસ. સંકલ્પ.

જિબૂતીમાં બોટ પલટાતાં 15 બાળકો સહિત 139 શરણાર્થીઓના મોત, 84 લાપતા

જિબૂતીમાં બોટ પલટાતાં 15 બાળકો સહિત 139 શરણાર્થીઓના મોત, 84 લાપતા

જિબૂતી નજીક દરિયામાં 300થી વધુ માઇગ્રન્ટ્સને લઈ જતી બોટ ડૂબી જતાં 15 બાળકો સહિત ઓછામાં ઓછા 139 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ આ માહિતી આપી છે.

IOMના અહેવાલ મુજબ, આ અકસ્માત 8 અને 9 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થયો હતો. બોટ જિબૂતીના ઓબોક શહેરની ઉત્તરે આવેલા ગુહેરે વિસ્તાર નજીક ડૂબી હતી. બોટમાં કુલ 305 લોકો સવાર હતા.

ઘટના બાદ ચલાવવામાં આવેલા બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં 82 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે 84 લોકો હજુ લાપતા છે. સ્થાનિક સત્તાધીશો અને રાહત ટીમો લાપતા લોકોની શોધ માટે દરિયામાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

જિબૂતીમાં IOMના મિશન ચીફ એલેક્ઝાન્ડ્રે કોઇસેકે જણાવ્યું કે, અમારી ટીમો સ્થાનિક સત્તાધીશો સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર ઈમરજન્સી મદદ પૂરી પાડી રહી છે. આ અકસ્માત દર્શાવે છે કે આર્થિક તકો અને સારા ભવિષ્યની શોધમાં આ રૂટ પરથી પસાર થતાં માઇગ્રન્ટ્સને કેટલું મોટું જોખમ ઉઠાવવું પડે છે. સ્થાનિક તંત્ર જીવિત બચેલા લોકોને તબીબી સારવાર પૂરી પાડી રહ્યું છે અને મૃતકોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આ માઇગ્રન્ટ્સ જિબૂતીથી બોટ મારફતે યમન તરફ જઈ રહ્યા હતા, જેથી તેઓ ત્યાંથી સમૃદ્ધ ખાડી દેશોમાં પહોંચી શકે. યમનમાં 2022ના યુએન-મધ્યસ્થતા વાળા યુદ્ધવિરામ બાદ પણ સાઉદી અરેબિયા સમર્થિત સરકારી દળો અને ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વચ્ચેની લડાઈ ગંભીર સ્તરે ચાલુ છે. યમનના નાગરિકો પોતે દેશ છોડીને ભાગી રહ્યા છે, છતાં અન્ય દેશોના લોકો સારો રોજગાર મેળવવાની આશામાં જીવના જોખમે આ ક્રોસિંગ કરી રહ્યા છે.