સત્ય. સાહસ. સંકલ્પ.

જીબુતીમાં બોટ પલટી: 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 હજુ ગુમ

જીબુતીમાં બોટ પલટી: 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 હજુ ગુમ

પૂર્વ આફ્રિકાના દેશ જીબુતીના દરિયાકાંઠે એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 109 પ્રવાસીઓનાં મોત થયાં છે. મૃતકોમાં 15 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ માહિતી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ રવિવારે આપી હતી.

IOMના જણાવ્યા અનુસાર, આ બોટ 305 લોકોને લઈને જીબુતીથી યમન જઈ રહી હતી. ગુરુવારની રાત્રે અથવા શુક્રવારની સવારે બોટ પલટી ગઈ હતી. દુર્ઘટનામાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકોનાં મોત થયાં છે. 80થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ઓછામાં ઓછા 116 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે.

IOMએ તેના નિવેદનમાં કહ્યું છે કે હોર્ન ઓફ આફ્રિકામાંથી હજારો સ્થળાંતર કરનારાઓ જીબુતી થઈને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પાર કરે છે. તેઓ સલામતી અને આર્થિક તકોની શોધમાં ગલ્ફ દેશો તરફ જાય છે. યમનમાં હિંસા છતાં આ ચળવળ ચાલુ રહી છે.

જીબુતીમાં IOMના મિશન ચીફ એલેક્ઝાન્ડર કોઈસાકે જણાવ્યું હતું કે આ એક મોટું જાનમાલનું નુકસાન છે. આ દુર્ઘટના એ વાતની યાદ અપાવે છે કે આર્થિક તકોની શોધમાં આ સ્થળાંતર માર્ગમાંથી પસાર થતા લોકોને કેવા કેવા ખતરાનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે અથવા હજુ પણ તેમના સ્વજનોના સમાચારની રાહ જોઈ રહ્યા છે, તે તમામ પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે.

IOM અનુસાર, ગરીબી, અસલામતી અને જળવાયુ પરિવર્તનની વધતી અસરોને કારણે અનેક લોકો રોજગાર અને વધુ સારા જીવનની શોધમાં આ જોખમી દરિયાઈ માર્ગ અપનાવે છે. પ્રવાસીઓ જીબુતીથી બાબ-અલ-મંદેબ સામુદ્રધુની પાર કરીને યમન પહોંચવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમનો હેતુ ખાડી દેશો સુધી પહોંચવાનો હોય છે. આ માર્ગ પર દરિયામાં બોટ ડૂબી જવા અને લોકોનાં જીવ ગુમાવવાનું જોખમ સતત રહે છે. IOMએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં અસ્થિરતા હોવા છતાં લોકો વધુ સારી આર્થિક તકોની શોધમાં આ જોખમી મુસાફરી કરી રહ્યા છે.