દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. આ દિવસે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે લક્ષ્મી ભક્તોના ઘરે આવે છે અને સુખ-સમૃદ્ધિ આપે છે. લોકો ઘરની સફાઈ કરે છે, તોરણ, દીવડા અને રંગોળીથી ઘર સજાવે છે. પરંતુ જો સજાવટ વાસ્તુ મુજબ કરવામાં આવે તો સકારાત્મક ઊર્જા અને ધનનું આગમન વધે છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઘરનો મુખ્ય દરવાજો, પૂજા સ્થળ અને દિશાઓનું ખાસ મહત્વ છે. ચાલો જાણીએ દિવાળી પર ઘર સજાવવાના વાસ્તુ ઉપાયો.
મુખ્ય દરવાજો રાખો સ્વચ્છ અને આકર્ષક
મુખ્ય દરવાજો ઘરમાં ઊર્જાનો પ્રવેશદ્વાર છે. દિવાળી પહેલાં દરવાજાની સંપૂર્ણ સફાઈ કરો. દરવાજા પાસે જૂતાં, કચરો કે ભંગાર ન રાખો. ગલગોટાના ફૂલોની માળા લગાવો. આંબા કે અશોકના પાનનું તોરણ બાંધવું શુભ ગણાય છે. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે.
સ્વસ્તિક અને ઓમનું પ્રતીક બનાવો
દિવાળીના દિવસે મુખ્ય દરવાજાની બંને બાજુ કંકુ, રોલી કે હળદરથી સ્વસ્તિક કે ઓમનું ચિહ્ન બનાવો. આ શુભ પ્રતીકો ઘરમાં સૌભાગ્ય લાવે છે અને નકારાત્મક સ્પંદનો રોકે છે. તમે દરવાજા પર 'શુભ-લાભ' પણ લખી શકો છો.
ઈશાન ખૂણો રાખો પવિત્ર
ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન ખૂણો દેવતાઓનું સ્થાન મનાય છે. દિવાળી પહેલાં આ ખૂણાને સાફ કરો. અહીં તૂટેલો સામાન, જૂના બોક્સ કે ભંગાર ન રાખો. આ જગ્યા ખુલ્લી અને સ્વચ્છ રાખો. જો પૂજાનું સ્થળ અહીં હોય તો તેને ફૂલો અને ઘીના દીવડાથી સજાવો.
લક્ષ્મી-ગણેશની મૂર્તિ સાચી દિશામાં સ્થાપિત કરો
પૂજા માટે ચોખ્ખો બાજોઠ લો અને તેના પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો. વાસ્તુ મુજબ પૂજા સ્થળનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ. ત્યાં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. પૂજા સ્થળની આસપાસ ગંદકી ન રાખો.
યોગ્ય સ્થાને દીવો પ્રગટાવો
દિવાળી પ્રકાશનો તહેવાર છે. દીવો અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. સાંજે મુખ્ય દરવાજા, પૂજા સ્થળ, બાલકની અને આંગણામાં દીવા પ્રગટાવો. વાસ્તુ મુજબ ઉંબરા પર દીવો પ્રગટાવવો શુભ છે. પૂજા સ્થળે ગાયના ઘીનો દીવો અને બાકીની જગ્યાએ તલ કે સરસવના તેલના દીવા પ્રગટાવો.
રંગોળીમાં કુદરતી રંગોનો ઉપયોગ કરો
રંગોળી ઘરને સુંદર બનાવે છે. કુદરતી રંગો અને ફૂલોથી રંગોળી બનાવો. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.