સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી માત્ર રામ આગમન નહીં, આ 6 પવિત્ર કથાઓ સાથે જોડાયેલો છે આ પર્વ

દિવાળી માત્ર રામ આગમન નહીં, આ 6 પવિત્ર કથાઓ સાથે જોડાયેલો છે આ પર્વ

દિવાળીનું નામ સાંભળતાં જ ઘણાને યાદ આવે છે રાવણ પર વિજય મેળવીને 14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીનું અયોધ્યા આગમન. મોટાભાગના લોકો માટે આ પર્વ લક્ષ્મીજીનું સ્વાગત, ગણેશજીની પૂજા, દીવાઓની રોશની અને ફટાકડાં સાથે જોડાયેલો છે.

પણ ઓછા લોકો જાણે છે કે દિવાળી ફક્ત અયોધ્યામાં રામના સ્વાગત પૂરતી સીમિત નથી. ભારતીય ઉપખંડની જુદી જુદી સંસ્કૃતિઓ, ધર્મો અને યુગો સાથે જોડાયેલી છ મોટી ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાઓ આ પાવન દિવસ સાથે વણાયેલી છે. આ રહી તે છ કથાઓ:

1. ભગવાન શ્રીરામનું અયોધ્યા આગમન: રામાયણ મુજબ, 14 વર્ષના વનવાસ અને રાવણના વધ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા ત્યારે આખા નગરે માટીના દીવા પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દીવા અસત્ય પર સત્યના વિજય, આશા અને નવી ઉર્જાનું પ્રતીક બન્યા.

2. નરકાસુર વધ અને 16 હજાર કન્યાઓની મુક્તિ: પૌરાણિક માન્યતા મુજબ, નરકાસુર નામના અત્યાચારી અસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો અને 16,000થી વધુ સ્ત્રીઓને બંદી બનાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ માતા સત્યભામાની સહાયથી નરકાસુરનો વધ કરીને તમામ નિર્દોષ સ્ત્રીઓને મુક્ત કરાવી. આ વિજય ‘નરક ચતુર્દશી’ કે નાની દિવાળી તરીકે ઉજવાય છે.

3. સિખ ધર્મમાં ‘બંદી છોડ દિવસ’: સિખ સમુદાય માટે દિવાળી આઝાદી અને ન્યાયનું પ્રતીક છે. મુઘલ બાદશાહ જહાંગીરે સિખોના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોબિંદ સાહેબને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા. આ દિવસે તેઓ કેદમાંથી મુક્ત થયા અને સાથે અન્ય 52 હિન્દુ રાજાઓને પણ મુક્ત કરાવ્યા. તેમના અમૃતસર આગમનની સ્મૃતિમાં આજે પણ સુવર્ણ મંદિરને અસંખ્ય દીપમાળાઓથી શણગારવામાં આવે છે.

4. માતા લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ: પૌરાણિક માન્યતા અનુસાર, દેવો અને દાનવોએ અમૃત માટે ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી નીકળેલા 14 રત્નો પૈકી ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીજી કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા. ત્યારબાદ તેમણે શ્રીહરિ વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા. લક્ષ્મીજીના આ પ્રાગટ્ય ઉત્સવ તરીકે દિવાળી પર વિશેષ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.

5. ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ: જૈન પરંપરામાં દિવાળી અત્યંત પવિત્ર પર્વ મનાય છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કારતક અમાસના દિવસે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમના નિર્વાણ બાદ ફેલાયેલા આધ્યાત્મિક અંધકારને દૂર કરવા અને તેમના દિવ્ય જ્ઞાનની સ્મૃતિ કાયમી રાખવા અનુયાયીઓએ દીવાઓ પ્રગટાવ્યા, જેનાથી જૈન ધર્મમાં દીપાવલીની પરંપરા શરૂ થઈ.

6. વામન અવતાર અને રાજા બલિનો ઉદ્ધાર: ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને દાનવીર રાજા બલિ પાસે ત્રણ ડગલાં જમીન માંગી. બે ડગલાંમાં સમગ્ર પૃથ્વી અને આકાશ માપ્યા બાદ ત્રીજા ડગલા માટે રાજા બલિએ પોતાનું મસ્તક સમર્પિત કરી દીધું. શ્રીહરિએ તેમને પાતાળ લોકનું રાજ્ય સોંપી વરદાન આપ્યું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની પ્રજાને મળવા પૃથ્વી પર આવી શકશે. આ આગમનની ખુશીમાં દિવાળી અને બીજા દિવસે ‘બલિ પ્રતિપદા’ની ઉજવણી થાય છે.