સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોને ખાનગી બસોમાં 3 ગણું ભાડું, 500ની ટિકિટ 1500 રૂપિયા

દિવાળી પર સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોને ખાનગી બસોમાં 3 ગણું ભાડું, 500ની ટિકિટ 1500 રૂપિયા

દિવાળીના તહેવાર નજીક આવતાં સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને ખાનગી ટ્રાવેલ્સમાં ભારે ભાડું ચૂકવવું પડી રહ્યું છે. સામાન્ય દિવસોમાં રાજકોટ જવા માટેની ટિકિટ 500 રૂપિયાની હોય છે, તે હવે 1,200થી 1,500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટ્રાવેલ્સ સંચાલકોનો દાવો છે કે ભાડું 2,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે.

અમદાવાદમાં દેશ-રાજ્યના વિવિધ જિલ્લાના લોકો નોકરી, વ્યવસાય અને અભ્યાસ માટે વસે છે. દિવાળી એવો તહેવાર છે જ્યારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે વતન જવાનું પસંદ કરે છે. આ ધસારાને કારણે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં તોતિંગ વધારો કર્યો છે.

દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે સેટેલાઇટ વિસ્તારની ખાનગી ટ્રાવેલ્સ ઓફિસોમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અમદાવાદથી રાજકોટનું ભાડું 1,000થી 1,200 રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. જ્યારે વંદે ભારત ટ્રેનમાં ચેર કારનું ભાડું 810 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું 1,505 રૂપિયા છે. એસટીની વોલ્વો બસનું ભાડું 562 રૂપિયા અને સ્લીપર બસનું 332 રૂપિયા છે.

સુરતથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોની પણ હાલત ખરાબ છે. સ્લીપર બસમાં ડબલ સોફાનું ભાડું 3,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણું ભાડું વસૂલાતું હોવાથી રત્નકલાકારો અને સામાન્ય વર્ગના લોકોના બજેટ પર ભાર પડ્યો છે.

મુસાફરો પાસેથી મનફાવે તેવું ભાડું વસૂલાય છે તેની પુષ્ટિ માટે દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. રિપોર્ટર ગ્રાહક બનીને સુરતની ટ્રાવેલ્સ ઓફિસમાં પહોંચ્યા અને અમરેલી જતી બસની ટિકિટ પૂછી. ત્યાં સંચાલકોએ સીટોની અછતનું બહાનું બતાવીને ડબલથી પણ વધુ ભાડું માંગ્યું. સિંગલ ટિકિટનો ભાવ 1,500 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને દિવાળી કે લાભ પંચમી પછી જ ભાડું સામાન્ય થશે તેમ જણાવાયું હતું. રિટર્ન મુસાફરીમાં પણ આડેધડ ભાડું વસૂલાય છે.

બીજી ખાનગી ટ્રાવેલ્સ ઓફિસમાં પણ સ્ટાફે સામાન્ય દિવસો કરતાં અનેકગણું ભાડું બોલ્યું હતું. આમ, તહેવારની મજબૂરીનો લાભ લઈને ખાનગી બસ સંચાલકો મુસાફરોને ભારે ભાડું ચૂકવવા મજબૂર કરી રહ્યા છે.