અયોધ્યામાં દીપોત્સવી પર્વની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે દીવડાં અને શણગારના નવા વિશ્વવિક્રમો બનતા રહે છે. આ અવસરે મહાકવિઓએ અયોધ્યાના રામ આગમનનું કેવું વર્ણન કર્યું છે, એ જોઈએ.
ભગવાન શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવી રહ્યા છે. શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ પુષ્પક વિમાનમાં બેસીને આવી રહ્યા છે. પહેલાં શ્રીરામે હનુમાનજીને ભરતને જાણ કરવા મોકલ્યા. ભરત અયોધ્યામાં રામની પાદુકા સ્થાપીને નંદીગ્રામમાં કૂટિર બનાવીને રહે છે. હનુમાનજીએ નંદીગ્રામ આવીને ભરતને ભગવાનના આગમનના સમાચાર આપ્યા.
મહાકવિ વાલ્મીકિએ રામાયણના યુદ્ધકાંડમાં આ પ્રસંગનું વર્ણન કર્યું છે: ‘હનુમાનજીએ ભરતને ટૂંકમાં રામના વનવાસના પ્રસંગો કહી સંભળાવ્યા અને પછી ઉત્સાહથી જાહેરાત કરી કે રઘુવીર રામ અત્યારે ભરદ્વાજ મુનિ પાસે રોકાયા છે. કાલે પુષ્ય નક્ષત્રમાં આપને દર્શન આપશે. હનુમાનજીની વાત સાંભળીને ભરતે નાનાભાઈ શત્રુઘ્નને નંદીગ્રામથી અયોધ્યાનો માર્ગ સમથળ બનાવીને શણગારવાનો આદેશ આપ્યો. આખા રસ્તા પર શીતળ જળ છાંટવામાં આવ્યું. લોકોએ તેમના મકાનો પાંચ પ્રકારના ફૂલોથી શણગાર્યા.’
મહર્ષિ વાલ્મીકિ રાજા દશરથના પરિવારના સભ્યો અને અયોધ્યાવાસીઓના ઉમંગનું વર્ણન આગળ ચલાવે છે: ‘સુમંત સહિતના આઠ મંત્રીઓને જુદી જુદી વ્યવસ્થા સોંપાઈ. રામ પધારે છે તે સાંભળીને અયોધ્યાના સ્ત્રી-પુરુષો સૌ નંદીગ્રામ આવી પહોંચ્યા. ત્રણેય માતાઓ તેમના સેવકો સહિત રથમાં બેસીને અયોધ્યાથી નંદીગ્રામ આવી પહોંચી. શ્રીરામના આગમનની થોડી પળો રહી ત્યારે ઘોડાઓ, હાથીઓના અવાજો સાથે નગારા અને શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણને લઈને પુષ્પક વિમાન નજીક આવ્યું ત્યારે નંદીગ્રામમાં અયોધ્યાવાસીઓએ હર્ષનાદ કર્યો અને તેના અવાજથી ભૂમિ ધ્રૂજી ઉઠી.’
વાલ્મીકિ રામાયણમાં રામના આગમનના ક્રમમાં જ રાજ્યાભિષેકનું વર્ણન આવે છે: ‘રામ-ભરતના મિલન પછી પરિવારના સૌ સભ્યો એકબીજાને મળે છે ને ભગવાન રામનો શણગાર થયા પછી એક સુશોભિત રથમાં ભગવાન રામ બેસે છે. ભરત એ રથના સારથિ બને છે અને રથ નગરયાત્રાએ નીકળે છે. રાજ દરબારમાં ગુરુ વશિષ્ઠ રામનો રાજ્યાભિષેક કરે છે. અયોધ્યાવાસીઓ મંગળ ગીતો ગાઈને આ પ્રસંગની ઉજવણી કરે છે.’
વાલ્મીકિ રામાયણમાં અયોધ્યામાં દીવડાં પ્રગટ્યા હોવાનો એકેય શ્લોક નથી. ક્યાંય દીપાવલીનો તહેવાર કે એવા શબ્દનો પણ ઉલ્લેખ નથી. કદાચ એટલા માટે કે જે દિવસે રામ અયોધ્યા પધાર્યા એના સ્મરણમાં એ દિવસને દિવાળીના તહેવાર તરીકે ઉજવવાનું અયોધ્યાવાસીઓએ કે આખાય ભારતવર્ષે એ પછી શરૂ કર્યું હશે.
મહર્ષિ વેદવ્યાસ રચિત ૧૮ પુરાણોમાંથી વિષ્ણુ પુરાણમાં ટૂંકમાં રામકથા આવે છે. મહાભારતમાં થોડી વિસ્તારથી રામકથા આવે છે, પરંતુ બ્રહ્માંડ પુરાણનો હિસ્સો મનાતી અધ્યાત્મ-રામાયણમાં સાત કાંડમાં વિગતવાર રામકથા કહેવાઈ છે. ૧૫મી સદીમાં રામ શર્મા નામના કોઈ શિવભક્તે તેને એડિટ કર્યાનું કે પછી રામાનંદસ્વામી નામના એક વિદ્વાને સુધારા કર્યા હોવાનું કહેવાય છે. એ રામાયણના મૂળ રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અને એ તેમના ૧૮ પુરાણો પૈકી બ્રહ્માંડ પુરાણનો હિસ્સો છે. આ કથા શિવ-પાર્વતીના સંવાદની શૈલીથી લખાઈ છે.
આ વેદવ્યાસ રચિત ગણાતી રામકથામાં ભગવાન શ્રીરામના આગમનનું વર્ણન કંઈક આવું છે: ‘ભગવાન શ્રીરામે હનુમાનજીને સમાચાર આપવા ભરત પાસે મોકલ્યા. રામના આગમનની વાત સાંભળીને ભરત એટલા હર્ષિત થઈ જાય છે કે તેમને મૂર્છા આવી જાય છે. હોશ આવ્યા બાદ ભરત શત્રુઘ્નને નગર શણગારવાની સૂચના આપે છે. એક લાખ ઘોડા, દસ હજાર હાથીને શણગારીને ભગવાનના આગમન માટે તૈયાર કરવામાં આવ્યાં. લોકોએ તેમના ઘર ફૂલો-ધજા-પતાકાથી સજાવ્યા. અયોધ્યાના રસ્તાઓ ઉજ્જવળ મોતીઓ અને રત્નોથી શોભી ઉઠ્યા. અયોધ્યા અને નંદીગ્રામમાં સુગંધિત જળનો છંટકાવ થયો.’
અધ્યાત્મ-રામાયણનું રામ આગમનની કથા આ રીતે આગળ વધે છે: ‘ભગવાન રામના દર્શનની લાલસાથી અયોધ્યાના હજારો લોકો ટોળીઓ બનાવીને નગરમાં ફરવા લાગ્યા. મંગળ વાદ્યો વાગતા હતા. અયોધ્યાવાસીઓ રામના ગુણગાનમાં ગીતો ગાતાં હતાં. રામ દેખાયા કે હનુમાનજીએ કહ્યું, જુઓ લોકો! આ વિમાનમાં રામ આવી રહ્યા છે. એ પછી લોકોએ “રામ આ છે, રામ આ છે” એવા નારા લગાવ્યા.’
અધ્યાત્મ-રામાયણમાં બીજા દિવસે રામનો રાજ્યાભિષેક થયો એવું વર્ણન છે. જે દિવસે રામ પધાર્યા એ દિવસે નંદીગ્રામમાં રહ્યા ને બીજા દિવસે સવારે શત્રુઘ્ન જે રથ ચલાવતા હતા એમાં બેસીને રામે અયોધ્યાની નગરયાત્રા કરી. નગરવાસીઓએ પુષ્પવૃષ્ટિ કરીને રામનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આ રામાયણમાં પણ ભગવાનના આગમનની રાતે દીવડાં પ્રગટ્યા એનો કોઈ શ્લોક નથી, પરંતુ આગમનના દિવસે ચોક્કસ ઉજવણીનું વર્ણન છે.