સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીની રાત્રે રાજ્યમાં ત્રણ હત્યા: સુરત, ભાવનગર અને અમરેલીમાં હિંસા

દિવાળીની રાત્રે રાજ્યમાં ત્રણ હત્યા: સુરત, ભાવનગર અને અમરેલીમાં હિંસા

દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હિંસક બનાવો સામે આવ્યા છે. સુરત, ભાવનગર અને અમરેલીમાં થયેલા અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ યુવકોની હત્યા થઈ છે અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.

સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીની રાત્રે બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે (ઉર્ફે સન્ની) પર છથી સાત અસામાજિક તત્વોએ પાછળથી હુમલો કર્યો હતો. જૂની અદાવતના કારણે થયેલા આ હુમલામાં સન્નીની છાતીમાં તીક્ષ્ણ હથિયારના પાંચ ઊંડા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેમના મિત્ર ધર્મેન્દ્રના જણાવ્યા અનુસાર, હુમલાખોરો દારૂ અને ગાંજાનો ગેરકાયદે ધંધો કરે છે અને અગાઉથી સન્ની સાથે અદાવત ધરાવતા હતા. ગંભીર રીતે ઘવાયેલા સન્નીને તેમના મિત્રો રિક્ષા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું માનવામાં આવે છે. ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં દિવાળીની રાત્રે ટ્રકના ભાડા અંગેના જૂના વિવાદને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે લોહીયાળ અથડામણ સર્જાઈ હતી. બંને પક્ષોએ તીક્ષ્ણ હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું મોત થયું હતું. ઉપરાંત નયુમ આરીફભાઈ ચૌહાણ, અશરફ દાઉદભાઈ સોલંકી, ભીખુ અલીભાઈ ચૌહાણ, સલીમ દાઉદભાઈ સોલંકી, અરબાઝ ભીખુભાઈ સોલંકી અને રુપેદાબેન આરીફભાઈ ચૌહાણ (મહિલા) સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ ખાંભા અને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાંભા પોલીસે સમયસૂચકતા દાખવીને મોટી હોનારત અટકાવી હતી અને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં પોપટનગરમાં રહેતો 25 વર્ષીય શ્રમજીવી યુવક રોહિત ઉર્ફે બટુ બુધાભાઇ બારૈયા ગત મોડી રાત્રે ઘરથી ભોજન લેવા નીકળ્યો હતો. જૂની અદાવત રાખીને બે શખસોએ તેનો પીછો કરીને રસ્તામાં આંતરીને છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. રોહિતને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પિતા બુધાભાઇ પર પણ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બંનેને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પિતાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.