સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીની રાત્રે દેશભરમાં આગની ઘટનાઓમાં 23 લોકોનાં મોત, મધ્યપ્રદેશમાં સૌથી વધુ 12 મોત

દિવાળીની રાત્રે દેશભરમાં આગની ઘટનાઓમાં 23 લોકોનાં મોત, મધ્યપ્રદેશમાં સૌથી વધુ 12 મોત

દિવાળીની રાત્રે દેશના અનેક શહેરોમાં લાગેલી આગની ઘટનાઓમાં કુલ 23 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો હજી ગુમ છે. મોતની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં નોંધાઈ છે, જ્યાં બે અલગ-અલગ મકાનોમાં આગ લાગવાથી 12 લોકોના જીવ ગયા છે.

મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં બે મહિનાનું બાળક પણ સામેલ છે. બીજી તરફ સિવાની જિલ્લામાં સરાફા વેપારીના મકાનમાં આગ લાગવાથી 6 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કરિયાણાની દુકાનની ઉપર આવેલા મકાનમાં રહેતા એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં છે. મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું છે.

રાજસ્થાનના પાલીમાં ફટાકડાંની દુકાનમાં આગ લાગવાથી બે લોકોનાં મોત થયાં છે અને ત્રણ લોકો ગુમ છે. આગમાં ત્રણ દુકાનો અને ઘણાં ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં. દિલ્હીના નરેલા વિસ્તારમાં રૉકેટ ફટાકડો પેટમાં વાગવાથી 10 વર્ષના એક બાળકનું મોત થયું છે.

જમ્મુના નેહરુ માર્કેટમાં ગોડાઉનમાં આગ લાગવાથી 12થી વધુ દુકાનો સળગી ગઈ છે. ઉત્તર પ્રદેશના બાંદામાં ભંગારની દુકાનમાં આગ લાગવાથી આશરે 20થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. નાગપુરમાં ટીવીએસ શોરૂમમાં આગ લાગવાથી ઘણાં ટુ-વ્હીલર સળગી ગયાં.

મુંબઈના ડોંગરી વિસ્તારમાં આગ લાગવાથી ઘણી દુકાનો અને ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ છે. દાદરના કામગાર સ્ટેડિયમમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ 17 મિનિટમાં કાબૂ મેળવી લીધો હતો. પુણેમાં આગની 63 ઘટનાઓ બની છે, જોકે ત્યાં જાનહાનિના અહેવાલ નથી.

મહારાષ્ટ્રના થાણેમાં 17 માળની ઈમારતમાં આગ લાગી હતી. ત્યાં પણ કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઉપરાંત આસામના જોનાઈમાં સિમેન ચાપોરી કમર્શિયલ એરિયા, પુણેના વડગાંવ શેરીમાં એક એપાર્ટમેન્ટ, મુંબઈના વિદ્યાવિહાર, સિક્કિમના ગંગટોકમાં સરકારી આવાસ અને ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. બધી ઘટનાઓમાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ સોમવારે સવારે દિલ્હી-NCRની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. રવિવારે લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હોવાથી AQI 418 સુધી પહોંચ્યો અને ઘણા વિસ્તારોમાં દૃશ્યતા ઘટી ગઈ હતી. ઉત્તર પ્રદેશના 15 શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.