સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી બજારમાં ચોરી અટકાવવા પોલીસનું જાગૃતિ અભિયાન: ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા અપીલ

દિવાળી બજારમાં ચોરી અટકાવવા પોલીસનું જાગૃતિ અભિયાન: ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા અપીલ

દિવાળીના તહેવારો શરૂ થવામાં હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ સમયમાં બજારોમાં ખરીદીની ભીડ વધતાં ચોરી અને અપહરણની ઘટનાઓ પણ વધવાની શક્યતા છે. લોકો ખરીદીમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેમનું ધ્યાન પોતાના પર્સ, મોબાઈલ અને બાળકો તરફ રહેતું નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

અમદાવાદના ભદ્ર-લાલદરવાજા બજારમાં પોલીસે જાગૃતતા અભિયાન હાથ ધર્યું. આ અભિયાનમાં પોલીસકર્મીઓએ ચોરનો વેશ ધારણ કરીને ખરીદદારોની બેગમાંથી માલસામાન કાઢીને ચોરી કેવી રીતે થાય છે તેનું નિદર્શન કર્યું. મહિલાઓ ખરીદીમાં મશગૂલ હતી અને તેમને ખબર પણ ન પડી કે તેમની બેગમાંથી ચશ્મા ચોરાઈ ગયા છે. એક મહિલા પોતાનો મોબાઈલ ફોન શોધતી રહી, પરંતુ તેને ખબર ન પડી કે તે ચોરાઈ ગયો છે. પોલીસે એક વ્યક્તિનું પર્સ પણ ચોરી લીધું અને પછી તેને પૂછ્યું કે તેનું પર્સ ક્યાં ગયું, જેથી તે વ્યક્તિ જાગૃત થાય.

આ પ્રયોગ દ્વારા પોલીસે નાગરિકોને સંદેશ આપ્યો કે ખરીદી દરમિયાન પોતાની માલસામાન અને બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ભીડવાળા બજારોમાં ચોરો સક્રિય થાય છે. તેથી પર્સ અને મોબાઈલ સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ અને બાળકોને હાથ પકડીને રાખવા જોઈએ.

મહેસાણા પોલીસે પણ આવું જ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં ચોરી અને અપહરણ જેવી ઘટનાઓથી બચવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તહેવારોમાં લોકો ખરીદીમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાની આસપાસની ગતિવિધિઓ પર ધ્યાન આપતા નથી, જેનો લાભ ચોરો ઉઠાવે છે.

આ અભિયાનનો હેતુ લોકોને સાવધાન કરવાનો છે જેથી તેઓ ખરીદીની મજા માણી શકે અને ચોરી કે અન્ય ઘટનાઓનો શિકાર ન બને.