સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર લક્ષ્મી પૂજન: અષ્ટલક્ષ્મીની આરાધના અને 10 જરૂરી બાબતો

દિવાળી પર લક્ષ્મી પૂજન: અષ્ટલક્ષ્મીની આરાધના અને 10 જરૂરી બાબતો

આજે (8 નવેમ્બર) પ્રકાશનું પર્વ દિવાળી છે. દર વર્ષે આસો અમાસના દિવસે ઊજવાતા દિવાળીના પાવન અવસર પર લક્ષ્મીપૂજનની સાથે ચોપડાપૂજન પણ કરવામાં આવે છે. ચોપડાપૂજન દરમિયાન દેવી લક્ષ્મીની આરાધના કરાય છે, જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી રહે. ઉપરાંત જ્ઞાન-વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરાય છે. આ દિવસે વેપારીઓ પોતાના ખાતાવહી પર 'શુભ' અને 'લાભ' લખે છે, જે તેમના તમામ પ્રયાસોમાં શુભકામના અને નફો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. આ સિવાય ખાતાનાં પુસ્તકો પર સ્વસ્તિકનું ચિહ્ન પણ દોરવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, કાર્તિક માસની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં. એક માન્યતા એવી પણ છે કે, આ તિથિએ દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. જે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે, જ્યાં શુદ્ધતા અને શ્રદ્ધા હોય છે, અને જે ઘરના લોકો ધર્મપ્રવૃત્તિવાળા હોય છે, ત્યાં દેવી લક્ષ્મી કૃપા વરસાવે છે. લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સફળતા જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ દિવાળીની પૂજામાં ધ્યાનમાં રાખવા જેવી 10 ખાસ બાબતો…

સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં મહાલક્ષ્મી

લક્ષ્મીજી માત્ર ધનના દેવી નથી, પરંતુ જીવનની 8 જરૂરી બાબતો માટે પણ તેમની પૂજા કરવામાં આવે છે. દેવીનાં 8 સ્વરૂપનો ઉલ્લેખ ઋગ્વેદના શ્રીસુક્ત, મહાભારત અને નારદ પંચરાત્રમાં પણ છે. આ ગ્રંથો ઉપરાંત અષ્ટલક્ષ્મી સાથે જોડાયેલી ઘણી લોકકથાઓ પણ છે. દેશમાં ઘણાં સ્થળોએ અષ્ટલક્ષ્મી મંદિર છે. એમાં સૌથી પ્રસિદ્ધ મંદિર ચેન્નઈ, અમદાવાદ, ગોબીચેટ્ટીપલાયમ (તામિલનાડુ), હૈદરાબાદમાં છે. ભક્ત પોતાની ઇચ્છાઓ મુજબ દેવીનાં અલગ અલગ સ્વરૂપોની પૂજા કરી શકે છે.

દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનમાંથી મહાલક્ષ્મી સહિત 14 દિવ્ય રત્નો નીકળ્યાં હતાં. મહાલક્ષ્મી આસો મહિનાની અમાસે નીકળ્યાં હતાં અને તેમણે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. પરિણામે, આસો અમાવસ્યાને મહાલક્ષ્મી પ્રકટઉત્સવ, એટલે કે દિવાળીના રૂપમાં ઊજવવામાં આવે છે. દેવી લક્ષ્મીએ સમયાંતરે ભક્તોની અલગ અલગ મનોકામનાઓ પૂરી કરવા માટે અલગ અલગ અષ્ટ સ્વરૂપ ધારણ કર્યાં છે.

મહાલક્ષ્મીનાં આઠ સ્વરૂપ કયા કયા છે એ જાણીએ...

આદ્ય લક્ષ્મી: આ મહાલક્ષ્મીનું મૂળ સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તને સુખ-સમૃદ્ધિ, શાંતિ, પરિવારનો પ્રેમ, માન-સન્માન, સારું સ્વાસ્થ્ય અને લાંબું આયુષ્ય મળે છે. મંત્ર - ॐ आद्यलक्ष्म्यै नमः. પ્રસાદ - ખીર. દેવીનું સ્વરૂપ- આદિ લક્ષ્મીના ચાર હાથ છે. એક જમણા હાથમાં કમળ છે, બીજા જમણા હાથમાં અભય મુદ્રા છે. એક ડાબા હાથમાં ધજા છે અને બીજા ડાબા હાથમાં વર મુદ્રા છે. દેવીમા લાલ વસ્ત્ર ધારણ કરે છે અને કમળ પુષ્પ પર બિરાજમાન છે.

ધન લક્ષ્મી: જે ભક્ત ધન-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે, તેમણે દેવીના ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. મંત્ર - ॐ धनलक्ष्म्यै नमः. પ્રસાદ - શેરડી. દેવીનું સ્વરૂપ- દેવીના છ હાથ છે. એમાંથી પાંચ હાથમાં સુદર્શન ચક્ર, શંખ, નારિયેળથી ઢંકાયેલો અને આંબાના પાનથી સુસજ્જિત કળશ, ધનુષ-બાણ અને કમળ છે. એક હાથ અભય મુદ્રામાં છે, જેમાંથી સોનાના સિક્કા પ્રવાહિત થતા રહે છે. દેવી લાલ વસ્ત્ર ધારણ કરે છે અને કમળ પુષ્પ પર બિરાજમાન છે.

ધાન્ય લક્ષ્મી: દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણા માતાના નામથી ઓળખાય છે. તેમની પૂજા કરવાથી ઘરમાં અન્ન એટલે કે ભોજનની ઊણપ થતી નથી. મંત્ર - ॐ धान्यलक्ष्म्यै नमः. પ્રસાદ - અનાજ, શિંગોડા. દેવીનું સ્વરૂપ- દેવીનાં આ સ્વરૂપમાં આઠ હાથ છે. પહેલા જમણા હાથમાં ઘઉં, બીજા હાથમાં શેરડી, ત્રીજામાં કમળ અને ચોથો હાથ અભય મુદ્રામાં છે. બે ડાબા હાથમાં કમળ, એક હાથમાં કેળાં અને એક હાથ વર મુદ્રામાં છે. દેવીમા લાલ-લીલાં વસ્ત્ર ધારણ કરે છે અને કમળ પુષ્પના આસન પર બિરાજમાન છે.

ગજ લક્ષ્મી: આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તને કામ કરવાની શક્તિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. ગજ લક્ષ્મી રાજાની જેમ સુખ-સુવિધા આપવાવાળા માનવામાં આવે છે. મંત્ર - ॐ गजलक्ष्म्यै नमः. પ્રસાદ - શેરડી. દેવીનું સ્વરૂપ- દેવીની સાથે બે હાથી પણ જોવા મળે છે, હાથીઓની સૂંઢમાં કળશ છે, જેનાથી એ લક્ષ્મીજીનો અભિષેક કરે છે. દેવીના ચાર હાથ છે. બંને હાથમાં કમળનાં ફૂલ છે. એક હાથ વર મુદ્રામાં અને એક હાથ અભય મુદ્રામાં છે. દેવી લાલ-લીલાં વસ્ત્ર ધારણ કરે છે અને કમળ પુષ્પ પર બિરાજમાન છે.

સંતાન લક્ષ્મી: દેવીનું આ સ્વરૂપ ઘર-પરિવારમાં બાળકો સંબંધિત સમસ્યા દૂર કરવાવાળું માનવામાં આવે છે. સંતાનની કામના માટે પતિ-પત્ની સંતાન લક્ષ્મીની પૂજા કરે છે. મંત્ર - ॐ सन्तानलक्ष्म्यै नमः. પ્રસાદ - મોસમી ફળ. દેવીનું સ્વરૂપ- દેવીના છ હાથ છે. દેવીના બે હાથમાં એક-એક કળશ છે. આ સ્વરૂપમાં દેવીના ખોળામાં એક બાળક બિરાજમાન છે.