દિવાળી અને બેસતા વર્ષના તહેવારો નિમિત્તે લાખો ગુજરાતીઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આ મુસાફરોની સફર સરળ બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ રાજ્યભરમાં નિયમિત શિડ્યુલ ઉપરાંત વધારાની 2400 બસો દોડાવી છે. આ બસો દ્વારા 8000થી વધુ ખાસ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું છે.
તહેવારોને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ ડિવિઝન દ્વારા 2 નવેમ્બરથી અત્યાર સુધીમાં 1800 વધારાની ટ્રિપ્સનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે, જેથી હજારો મુસાફરો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-પૂર્વ ગુજરાતના રૂટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફ વધારાની બસો સતત દોડાવવામાં આવી રહી છે. તેમજ દાહોદ, ગોધરા, બાલાસિનોર અને સંતરામપુર જેવા અંતરિયાળ વિસ્તારો માટે પણ ખાસ બસો મુકવામાં આવી છે, જેથી શ્રમિક અને ગ્રામીણ વર્ગને અવરજવરમાં તકલીફ ન પડે.
સુરતથી તમામ મુખ્ય જિલ્લાઓ માટે વિશેષ બસો ચલાવવામાં આવી છે. રત્નકલાકારો અને ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો પરિવારો વતન જઈ રહ્યા હોવાથી સુરતથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ પણ વધારાની બસો ફાળવવામાં આવી છે.
GSRTCના અધિકારીઓએ જણાવ્યું કે, માત્ર પૂર્વ નિર્ધારિત શિડ્યુલ પર નિર્ભર રહેવાને બદલે બસ સ્ટેન્ડ પર મુસાફરોની સ્થિતિ જોઈને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે છે. કોઈ રૂટ પર અચાનક ભીડ વધે તો ડેપો મેનેજરોને તાત્કાલિક વધારાની બસો દોડાવવાની સત્તા આપવામાં આવી છે, જેથી મુસાફરોએ કોઈ મુશ્કેલી ન સહેવી પડે.