સત્ય. સાહસ. સંકલ્પ.

ફટાકડાના ધુમાસથી બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને કેવી રીતે બચાવવા? જાણો ઉપયોગી ટિપ્સ

ફટાકડાના ધુમાસથી બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને કેવી રીતે બચાવવા? જાણો ઉપયોગી ટિપ્સ

દિવાળી નજીક આવતાં જ ફટાકડા ફોડવાનું શરૂ થઈ જાય છે. ફટાકડાનો ધુમાડો હવામાં ભળીને તેને ઝેરી બનાવે છે. આ ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ તથા સૂક્ષ્મ કણો (PM 2.5 અને PM 10) હોય છે, જે શ્વસનતંત્રને સીધું નુકસાન પહોંચાડે છે.

આ ઝેરી હવા બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે વધુ જોખમી છે. બાળકોના ફેફસાં હજી પૂરેપૂરા વિકસ્યા નથી હોતા, વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, અને સગર્ભા સ્ત્રીઓના લોહીમાં પ્રવેશેલા ઝેરી તત્વો ગર્ભના વિકાસને અસર કરી શકે છે. તેથી તહેવાર દરમિયાન થોડી સાવચેતી રાખીને આખા પરિવારને આ ધુમાડાની ખરાબ અસરોથી બચાવી શકાય છે.

સાંજ અને રાત્રે જ્યારે ફટાકડા ફોડવાનું પ્રમાણ વધારે હોય ત્યારે બાળકોને બહાર જવા દેવાનું ટાળો. સવારે ધુમ્મસ હોય ત્યારે પણ બહાર રમવાનું ટાળો. જો બહાર જવું જરૂરી હોય, તો સાદા કાપડના માસ્કને બદલે સારી રીતે ફિટ થતો N95 અથવા પ્રમાણિત પ્રદૂષણ વિરોધી માસ્ક પહેરો. બહારથી પાછા ફર્યા પછી બાળકોના ચહેરા અને આંખોને સ્વચ્છ, ઠંડા પાણીથી ધોઈ લો.

અસ્થમા, બ્રોન્કાઇટિસ અથવા COPD જેવી બીમારી ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ પોતાના ઇન્હેલર, નેબ્યુલાઇઝર અને જરૂરી દવાઓ તૈયાર રાખવી જોઈએ. દિવાળીના આગામી ત્રણ-ચાર દિવસ વહેલી સવારની વોક ટાળો. ઘરમાં પલ્સ ઓક્સિમીટર રાખો અને જો શ્વાસ લેવામાં તકલીફ કે અસ્વસ્થતા અનુભવાય તો તરત જ ઓક્સિજનનું સ્તર તપાસો અને ડૉક્ટરની સલાહ લો.

ગળામાં દુખાવો અને છાતીમાં જકડાઈ જવાની તકલીફમાંથી રાહત માટે સૂતા પહેલા સાદું પાણી તથા તુલસી અને આદુનો ઉકાળો લેવો ફાયદાકારક રહે છે.

સગર્ભા સ્ત્રીઓએ ફટાકડાના ધુમાડાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાં રહેલું ઝેર ગર્ભના વિકાસને અસર કરી શકે છે. ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખો. જો ઉપલબ્ધ હોય, તો રૂમમાં HEPA ફિલ્ટર સાથેનું એર પ્યુરિફાયર ચાલુ રાખો.

ફટાકડાનો વધુ પડતો અવાજ બ્લડ પ્રેશર વધારી શકે છે. તેથી શાંત રૂમમાં રહો અને જરૂર પડે તો ઇયરપ્લગનો ઉપયોગ કરો. પ્રદૂષણને કારણે થતા ઓક્સિડેટીવ તણાવને ઘટાડવા માટે આહારમાં વિટામિન સી, લીલા પાંદડાવાળા શાકભાજી અને બદામનો સમાવેશ કરો.