દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે ઉજવણી કરે છે, મીઠાઈ-ફરસાણ ખાય છે અને હોટલમાં જમવા જાય છે. પરંતુ આ મોજ-મસ્તી વચ્ચે એક ચિંતા ઘણા લોકોને સતાવતી હોય છે — તહેવારમાં બીમાર પડ્યા તો ક્યાં જઈશું? આ વખતે આ ચિંતા ઓછી કરવા માટે અમદાવાદમાં તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન દ્વારા તહેવાર દરમિયાન ખાસ તૈયારી કરવામાં આવી છે. AMAના પ્રમુખ કલ્પિતા દવેએ જણાવ્યું કે તહેવારોમાં અકસ્માત અને દાઝી જવાના કિસ્સા વધવાની શક્યતા હોય છે, તેથી 'ડોક્ટર ઓન કોલ' કાર્યક્રમનું આયોજન કરાયું છે.
અમદાવાદમાં 70 ડોક્ટરોની ટીમ અને 6 કો-ઓર્ડિનેટર તહેવાર દરમિયાન સારવાર માટે આવતા દર્દીઓને જરૂરી તબીબી સેવા પૂરી પાડશે. એસોસિયેશનના જણાવ્યા અનુસાર 7થી 13 નવેમ્બરના દિવાળી સપ્તાહમાં સામાન્ય રીતે અંદાજે 80 જેટલા કોલ આવે છે.
આ ઉપરાંત મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વર્ષે 'પિંક એપ' પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે હેઠળ મેમોગ્રાફી અને અલ્ટ્રાસોનોગ્રાફી રિપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.