સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનના મીઠી શહેરમાં દિવાળીની ધમધમાટ: ફટાકડાથી લઈને પૂજા સામગ્રી સુધી બજાર ગુલઝાર

પાકિસ્તાનના મીઠી શહેરમાં દિવાળીની ધમધમાટ: ફટાકડાથી લઈને પૂજા સામગ્રી સુધી બજાર ગુલઝાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હિન્દુ બહુમતી ધરાવતા મીઠી શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં ફટાકડા, માટીના કોડિયાં, લક્ષ્મી માતાની મૂર્તિઓ, પૂજાની થાળીઓ, અગરબત્તી અને મીઠાઈના સ્ટોલ લાગ્યા છે. આ તહેવારને લઈને બજારમાં ભીડ પણ જોવા મળી રહી છે.

મીઠીના મુખ્ય બજારમાં ફટાકડાના સ્ટોલ પર વિવિધ પ્રકારના ફટાકડા વેચાઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, પોપ ફટાકડાની ડબ્બી 25 રૂપિયામાં અને રોકેટ તથા આતશબાજીના પેકેટ 150 થી 200 રૂપિયા સુધીમાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે દીવડા પ્રગટાવવા માટેના સામાન્ય કોડિયાં 10 થી 20 રૂપિયામાં મળે છે, જ્યારે પેઇન્ટિંગવાળી પૂજા થાળી 300 રૂપિયા અને કોડિયાંથી બનેલું સુશોભિત ઘર 400 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે.

પૂજા માટે જરૂરી સામગ્રી જેમ કે લક્ષ્મી માતાની મૂર્તિઓ, તસવીરો, હવન સામગ્રી, નાળિયેર અને તાજા ફૂલો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભારતના બેંગલુરુથી આયાત કરાયેલી અગરબત્તીઓ પણ અહીં વેચાઈ રહી છે, જેને સ્થાનિક હિન્દુ પરિવારોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મીઠી શહેરના કેન્દ્રમાં આવેલા ઐતિહાસિક કૃષ્ણ મંદિરને દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું છે. સ્થાનિક પરિવારો પરંપરાગત રીતે લક્ષ્મી પૂજન કરીને અને રાત્રે આતશબાજી કરીને દિવાળી ઉજવે છે. તિથિ અનુસાર કેટલાક પરિવારો 20 તારીખે તો કેટલાક 21 તારીખે ઉજવણી કરશે, જેથી બે દિવસ સુધી બજારો અને મંદિરોમાં ઉત્સવનો માહોલ રહેશે.