સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી 2026: ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્ત, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો સમય જાહેર

દિવાળી 2026: ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્ત, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો સમય જાહેર

દિવાળી પર્વ અને નવા વર્ષ વિક્રમ સંવત 2083 નજીક આવી રહ્યા છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ ધનતેરસથી લાભ પાંચમ સુધીની ખરીદી, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટેના શુભ મુહૂર્તની માહિતી જાહેર કરી છે. જે લોકો નવા વર્ષમાં ખરીદી કે નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ મુહૂર્ત ઉપયોગી થઈ શકે છે.

રવિ પુષ્યમૃત યોગ (1 નવેમ્બર 2026): નવા વર્ષના ચોપડા કે અન્ય શુભ ખરીદી માટે રવિવાર, 1 નવેમ્બરના રોજ રવિ પુષ્યમૃત યોગ છે. આ દિવસે સવારે 8:10 થી 12:20 અને બપોરે 1:50 થી 3:10 સુધીનો સમય ખરીદી માટે શ્રેષ્ઠ ગણાય છે.

ધનતેરસ (6 નવેમ્બર 2026): શુક્રવાર, 6 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે ધન્વંતરિ પૂજન, સોના-ચાંદીની ખરીદી અને દીપદાન માટે બપોરે 12:25 થી 1:45, સાંજે 4:40 થી 5:55 અને રાત્રે 9:15 થી 10:45 સુધીના મુહૂર્ત શુભ છે.

કાળી ચૌદશ (7 નવેમ્બર 2026): શનિવાર, 7 નવેમ્બરના રોજ કાળી ચૌદશ છે. આ દિવસે પૂજા અને ઉપાસના પોતાના માર્ગદર્શન મુજબ કરવાની પરંપરા છે.

દિવાળી અને લક્ષ્મી પૂજન (8 નવેમ્બર 2026): રવિવાર, 8 નવેમ્બરના રોજ દિવાળી પર્વ ઉજવાશે. લક્ષ્મી પૂજન અને દીપાવલી પૂજન માટે સવારે 11:30 થી 12:20, બપોરે 1:50 થી 3:10, સાંજે 6:00 થી અને રાત્રે 10:05 સુધીના મુહૂર્ત શુભ છે.

નૂતન વર્ષ વિક્રમ સંવત 2083 (10 નવેમ્બર 2026): સોમવારે અમાસ પૂર્ણ થયા બાદ મંગળવાર, 10 નવેમ્બરના રોજ નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષમાં શુભ શરૂઆત માટે સવારે 9:40 થી બપોરે 1:40 સુધીનો સમય ઉત્તમ છે.

લાભ પાંચમ (14 નવેમ્બર 2026): શનિવાર, 14 નવેમ્બરના રોજ કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે. નવા ધંધા-રોજગાર કે શુભ કાર્યોની શરૂઆત માટે સવારે 8:15 થી 9:35 અને બપોરે 12:25 થી 4:30 સુધીના મુહૂર્ત ઉપલબ્ધ રહેશે.

અમારા તમામ વાચકોને દિવાળી પર્વ અને નૂતન વર્ષની અગાઉથી હાર્દિક શુભકામનાઓ.