દીવના ચોક વિસ્તારમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં કારમાંથી જેતપુરના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
હોટલના સિક્યોરિટી ગાર્ડને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કારના કાચ તોડીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ જેતપુરના નિવાસી નીતિન સરધારા તરીકે થઈ છે. હોટલના સીસીટીવી ફૂટેજ તપાસતાં યુવક પોતે જ કાર પાર્ક કરતો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક દીવ પહોંચી ગયા હતા. પરિવારજનોની હાજરીમાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું છે કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
યુવક દીવમાં શા માટે આવ્યો હતો, હોટલમાં કોની સાથે રોકાયો હતો અને કારમાં કેટલા સમયથી તેનો મૃતદેહ પડ્યો હતો, તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.