સત્ય. સાહસ. સંકલ્પ.

દિશા સાલિયાન મોત કેસ: CBI તપાસમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય ખૂલી શકે, આદિત્ય ઠાકરે શંકાના દાયરામાં

દિશા સાલિયાન મોત કેસ: CBI તપાસમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય ખૂલી શકે, આદિત્ય ઠાકરે શંકાના દાયરામાં

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા સાલિયાનના મોતના કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ એફઆઈઆર નોંધી છે. આ કેસ સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે પણ જોડાયેલો છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસની તપાસમાં ગંભીર શંકા વ્યક્ત કર્યા બાદ CBIએ આ કેસમાં પગલાં ભર્યા છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે 14માં માળેથી પડવા છતાં શરીરનું એક પણ હાડકું ન તૂટે, જે તબીબી દૃષ્ટિએ અશક્ય છે.

CBIની એફઆઈઆરમાં ષડયંત્ર, ગેંગરેપ અને પુરાવા નાશ કરવાની કલમો લગાવવામાં આવી છે. હાલમાં આ કેસમાં કોઈપણ વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યું નથી, પરંતુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) નેતા આદિત્ય ઠાકરેની ભૂમિકા અંગે ચર્ચા થઈ રહી છે. આક્ષેપ છે કે આદિત્ય ઠાકરેએ સત્તાનો દુરુપયોગ કરીને મુંબઈ પોલીસની મદદથી પુરાવા નષ્ટ કર્યા. જોકે, આદિત્ય ઠાકરેએ આ બધા આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ દિશા સાલિયાનને ઓળખતા નથી અને તેમને ક્યારેય મળ્યા નથી.

આ કેસની સુનાવણી દરમિયાન દિશાના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરે સામે 500 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતનું મોત પણ ચર્ચાનું કેન્દ્ર છે. બંને મોત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં, તે CBI તપાસમાં બહાર આવી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, દિશા સાલિયાનનું મોત 8-9 જૂન 2020ની મધ્યરાત્રે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી રેજેન્ટ ગેલેક્સી બિલ્ડિંગમાંથી થયું હતું. ત્યારબાદ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે, દિશાના પિતાની ફરિયાદ બાદ 2023માં વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી હતી, પરંતુ કેસ ઠંડે કલેજે પડી ગયો હતો. ગયા વર્ષે ફરી ફરિયાદ થતાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ, અને હવે CBIએ તપાસ શરૂ કરી છે.

આ કેસે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવી છે. આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ છે, જેમાં ઠાકરે પરિવારના ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે 20 વર્ષ બાદ અબોલા તૂટ્યા છે. બીજી તરફ ભાજપે મુંબઈ મનપાની 89 બેઠકો પર જીતનો દાવો કર્યો છે. આ સ્થિતિમાં દિશા સાલિયાન કેસ રાજકીય રીતે ખૂબ મહત્ત્વનો બની ગયો છે.