મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસમાં દિશાના પિતા સતીશ સાલિયને CBIને વિડિયો સહિતના પુરાવા સોંપ્યા છે. સાથે જ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે, પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિત અનેક લોકોની તાતાકાલ ધરપકડ કરવાની માંગ કરી છે.
સતીશ સાલિયને CBIને એક વિસ્તૃત રજૂઆત સોંપીને કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, પોલીસ ઈન્સ્પેક્ટર અર્જુન રાજાણે, બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે, SIT સભ્ય શૈલેન્દ્ર નાગરકર, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય લોકોની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેમની ધરપકડ અને કસ્ટોડિયલ પૂછપરછ કરવાની પણ માંગ કરી છે.
રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે મહત્ત્વપૂર્ણ સમયગાળાની CCTV ફૂટેજ ડિલીટ થયા બાદ DVRને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. સતીશ સાલિયને 11 ડિસેમ્બર 2025ના FSL, કાલિના, મુંબઈના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે DVRમાં 4 જૂન 2020થી 9 જૂન 2020 સુધીની ફૂટેજ ઉપલબ્ધ નથી. તેમણે CBIને તપાસ કરવાની માંગ કરી છે કે ફૂટેજ ડિલીટ, નષ્ટ અથવા અન્ય કોઈ રીતે દૂર કરવામાં આવી હતી કે કેમ, તેના માટે કોણ જવાબદાર હતું અને તેની કોઈ કોપી હજુ રિકવર કરી શકાય છે કે કેમ.
રજૂઆતમાં PSI હસન મકબૂલ મુલાણીના 7 એપ્રિલ 2026ના SIT સભ્ય શૈલેન્દ્ર નાગરકરે નોંધેલા નિવેદનનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત તત્કાલીન તપાસ અધિકારી અર્જુન રાજાણેનું 8 એપ્રિલ 2026ના રોજ નોંધાયેલું નિવેદન પણ તપાસના દાયરામાં લેવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત અનુસાર, આ નિવેદનોમાં ગાયબ હાર્ડ ડિસ્ક અને બેકઅપ ફૂટેજ સાથે જોડાયેલા મુદ્દાઓ સામે આવે છે.
સતીશ સાલિયને આરોપ લગાવ્યો છે કે બેકઅપ હાર્ડ ડિસ્ક પણ નષ્ટ, દૂર અથવા દબાવવામાં આવી હોઈ શકે છે. તેમણે CBIને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કસ્ટડી કોની પાસે હતી તેની તપાસ કરવાની અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા નક્કી કરવાની માંગ કરી છે.
સતીશ સાલિયને FIRમાં IPCની કલમ 409 ઉમેરવાની માંગ પણ કરી છે. સરકારી અધિકારીઓને સોંપવામાં આવેલા DVR, હાર્ડ ડિસ્ક અથવા અન્ય સરકારી સંપત્તિના કથિત અપ્રામાણિક ઉપયોગ, ગબન, દૂર કરવા, નષ્ટ કરવા અથવા ખોટી રીતે નિકાલ કરવાની સ્થિતિમાં કલમ 409 હેઠળ ગુનો બને છે કે કેમ તેની CBIએ સ્પષ્ટ તપાસ કરવી જોઈએ.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના 3 ઓગસ્ટ 2020ના કથિત પ્રેસ કોન્ફરન્સના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતીશ સાલિયનના જણાવ્યા અનુસાર, પરમબીર સિંહે તે સમયે કહ્યું હતું કે પોલીસે સંપૂર્ણ CCTV ફૂટેજ જોઈ હતી અને દિશા સાલિયનના ફ્લેટમાં છ ઓળખાયેલા લોકો સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી નહોતી.
બીજી તરફ, રજૂઆત અનુસાર API કનૌજે અને અન્ય પોલીસ અધિકારીઓએ 6 ઓગસ્ટ 2020ના રોજ બેકઅપ હાર્ડ ડિસ્કને સત્તાવાર રીતે ખોલ્યું હતું અને તેમાં 4 જૂન 2020ની ફૂટેજ હોવાની પુષ્ટિ કરી હતી. સતીશ સાલિયને CBIને તપાસ કરવાની માંગ કરી છે કે 6 ઓગસ્ટની સત્તાવાર પ્રક્રિયાના ત્રણ દિવસ પહેલાં એટલે કે 3 ઓગસ્ટે પરમબીર સિંહે CCTV ફૂટેજ અંગે આ દાવો કયા આધારે કર્યો હતો.
રજૂઆતમાં બે અન્ય વ્યક્તિઓને પણ મહત્ત્વપૂર્ણ પ્રત્યક્ષદર્શી ગણાવવામાં આવ્યા છે. સતીશ સાલિયને આ બંનેની તાત્કાલિક પૂછપરછ અને તેમના નિવેદનો નોંધવાની માંગ કરી છે. આ ઉપરાંત રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવર લોકેશનથી આદિત્ય ઠાકરે અને ફરિયાદમાં નામિત અન્ય લોકોની ઘટનાસ્થળની આસપાસ હાજરી સાથે જોડાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સામે આવે છે. આ રેકોર્ડની સ્વતંત્ર રીતે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
સતીશ સાલિયને પોતાની રજૂઆતમાં કોર્ટના કેટલાક ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, ગંભીર આરોપો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે જોડાયેલા કેસોમાં, જ્યાં તપાસ માટે જરૂરી હોય ત્યાં કસ્ટોડિયલ પૂછપરછ પર વિચાર કરી શકાય છે. ‘ગુલાબરાવ બાબુરાવ દેઓકર વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર’ કેસમાં સુપ્રીમ કોર્ટે ગંભીર આરોપોની પરિસ્થિતિમાં કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની જરૂરિયાત પર વિચાર કરવાની વાત કરી હતી.
સતીશ સાલિયને CBIને આદિત્ય ઠાકરે, પરમબીર સિંહ, સચિન વાઝે, શૈલેન્દ્ર નાગરકર, અર્જુન રાજાણે, ઉદ્ધવ ઠાકરે અને અન્ય સંબંધિત લોકોની ભૂમિકાની તપાસ કરીને કાયદા અનુસાર ધરપકડ કરવાની માંગ કરી છે.