મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં એક મોટો રેસિડેન્શિયલ સોદો થયો છે. એન્જલ વન (Angel One)ના સ્થાપક દિનેશ ઠક્કરે જુહૂ તારા રોડ પર આવેલો આખો 7 માળનો રેસિડેન્શિયલ ટાવર ખરીદવા સંમતિ આપી છે. આ સોદાની કિંમત આશરે ₹711 કરોડ છે.
આ ટાવર એમ્બેસી ડેવલપમેન્ટ્સના પ્રોજેક્ટ એમ્બેસી ટેરેઝા (Embassy Terazza)નો ભાગ છે. ટાવરનો રેસિડેન્શિયલ વિસ્તાર 63,000 ચોરસ ફૂટ છે અને તે ગ્રાઉન્ડ ફ્લોર સાથે સાત માળમાં ફેલાયેલો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ભારતમાં કોઈ એક રેસિડેન્શિયલ યુનિટની અત્યાર સુધીની સૌથી મોટી ખરીદીમાંની એક છે. પ્રતિ ચોરસ ફૂટ ₹1.13 લાખના ભાવે આ ડીલ થઈ છે, જે જુહૂ જેવા વિસ્તારમાં રેકોર્ડ ગણાય છે.
દિનેશ ઠક્કર એન્જલ વનના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. એન્જલ વન શેરબ્રોકિંગ અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલી કંપની છે. રિયલ એસ્ટેટ જાણકારોના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં આટલી મોટી રકમમાં એક જ ટાવરની ખરીદી અસામાન્ય છે અને તે લક્ઝરી પ્રોપર્ટી બજારમાં ઊંચા ભાવને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ સોદો અંબાણી કે અદાણી પરિવારે નથી કર્યો, પરંતુ દિનેશ ઠક્કરે કર્યો છે. આ પહેલા પણ દેશના અબજોપતિઓએ મુંબઈમાં મોંઘી પ્રોપર્ટી ખરીદી હતી, પરંતુ આ ડીલ એક જ ટાવરમાં રેકોર્ડ રકમ હોવાને કારણે ચર્ચામાં છે.