સત્ય. સાહસ. સંકલ્પ.

જમીનને મળશે 14 અંકનો યુનિક નંબર, DILRMP 3.0થી લોન અને રજિસ્ટ્રીમાં સરળતા

જમીનને મળશે 14 અંકનો યુનિક નંબર, DILRMP 3.0થી લોન અને રજિસ્ટ્રીમાં સરળતા

કેન્દ્ર સરકારે જમીનના રેકોર્ડને ડિજિટલ બનાવવા માટે ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) 3.0 યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 2026થી 2031 સુધીના પાંચ વર્ષમાં 565.5 કરોડ રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવશે. ગ્રામીણ અને શહેરી, બંને વિસ્તારોની જમીનોનો ડિજિટલ હિસાબ રાખવામાં આવશે. સરકારે યોજનાના ત્રીજા તબક્કા માટેની માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે.

યોજનાનો મુખ્ય હેતુ જમીનના દસ્તાવેજો, નકશા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સંબંધિત આંકડાઓને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે યોજનાની શરૂઆત વખતે જણાવ્યું હતું કે આ પગલું ફક્ત દસ્તાવેજોના ડિજિટાઈઝેશન પૂરતું સીમિત નથી, પરંતુ તે એક સંકલિત લેન્ડ મેનેજમેન્ટ વ્યવસ્થા તરફ દોરી જશે.

નવી વ્યવસ્થાનો સૌથી મોટો લાભ ખેડૂતોને મળશે. જમીનના રેકોર્ડ ડિજિટલ થવાથી બેંકમાંથી લોન મેળવવામાં સરળતા રહેશે અને સરકારી કચેરીઓના વારંવાર ફેરા મારવામાંથી મુક્તિ મળશે. મંત્રીએ ઉમેર્યું હતું કે જમીન ફક્ત માટીનો ટુકડો નથી, પરંતુ તે ખેડૂતોનું ગૌરવ, પૂર્વજોના આશીર્વાદ અને આવનારી પેઢીઓની ઓળખ છે.

યોજના હેઠળ 'લેન્ડ સ્ટેક' નામનું સંયુક્ત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર થશે. તેમાં જિયો-રેફરન્સ્ડ કેડસ્ટ્રલ નકશા, જમીનના હકો, મિલકત નોંધણી અને અદાલતી કેસોની વિગતો એક જ ઈન્ટરફેસ પર ઉપલબ્ધ થશે. દરેક રાજ્ય API દ્વારા પોતાનો જમીન ડેટા એકઠો કરીને રાજ્યકક્ષાનું 'લેન્ડ સ્ટેક' બનાવી શકશે, જે આગળ જતાં નેશનલ લેન્ડ સ્ટેકનું માળખું તૈયાર કરશે.

દેશના દરેક જમીન પ્લોટને 14 અંકનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ નંબરથી મિલકતની ચોક્કસ ઓળખ થશે અને જમીન સંબંધિત છેતરપિંડી તથા બોગસ વ્યવહારો અટકાવી શકાશે.

પાસપોર્ટ સેવા કેન્દ્રોની પદ્ધતિ પર વધુ ભીડવાળી 75 સબ-રજિસ્ટ્રાર કચેરીઓને આધુનિક ડિજિટલ સુવિધાઓ સાથે સજ્જ સેવા કેન્દ્રોમાં ફેરવવામાં આવશે, જેથી નાગરિકોને સેવાઓ સરળતાથી મળે.

વારસાગત હકોનું રક્ષણ કરવા અને પૈતૃક જમીનના વિવાદો ઘટાડવા માટે જૂના તમામ નોંધણી દસ્તાવેજોને સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવામાં આવશે. નોંધાયેલા દસ્તાવેજો અને મિલકત પરના દેવાં કે બોજાની સ્થિતિ સ્પષ્ટ કરવા ડિજિટલ રિપોઝિટરી પણ ઊભી કરાશે. તેનાથી જમીનની માલિકીની સત્યતા તપાસવી અને ભૂતકાળની ખરીદ-વેચાણની હિસ્ટ્રી ચકાસવી સરળ બનશે.

મહેસૂલી અદાલત કેસ વ્યવસ્થાપન પ્રણાલી (RCCMS)ને આધુનિક બનાવીને સીધી જમીન રેકોર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ ફેરફારથી પેન્ડિંગ કેસોની સંખ્યા ઝડપથી ઘટશે અને નોંધણી-નામફેર (મ્યુટેશન) સંબંધિત વિવાદોનો ત્વરિત નિકાલ થશે.

શહેરી વિસ્તારોમાં 'નકશા' (NAKSHA) પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સચોટ અને GIS આધારિત જમીન સર્વે હાથ ધરીને મિલકતધારકોને અર્બન પ્રોપર્ટી કાર્ડ (UrPro Card) જારી કરવામાં આવશે.