સત્ય. સાહસ. સંકલ્પ.

દિલજીત દોસાંઝે સાસણમાં સિંહ દર્શન કર્યા, કાઠિયાવાડી થાળીની મજા માણી; અમદાવાદ કોન્સર્ટ પર નશા વિરોધી ગીતોને લઈને સવાલ

દિલજીત દોસાંઝે સાસણમાં સિંહ દર્શન કર્યા, કાઠિયાવાડી થાળીની મજા માણી; અમદાવાદ કોન્સર્ટ પર નશા વિરોધી ગીતોને લઈને સવાલ

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોન્સર્ટ માટે ગુજરાત આવી ચૂક્યા છે. કોન્સર્ટ પહેલા તેમણે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા અને કાઠિયાવાડી ભોજનની મજા માણી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દિલજીત કાઠિયાવાડી થાળીનો આનંદ માણતા જોવા મળે છે. જ્યારે વેઈટરે ભોજન પહેલા મીઠાઈ પીરસી, ત્યારે તેમણે મજાકમાં કહ્યું, 'પહેલા જ મીઠું ખાઈ લેશું તો ભોજન કઈ રીતે ખાશું?' ભોજનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે ગુજરાતનું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે અને જે લોકો ગુજરાત નથી આવ્યા તેમણે અહીં આવીને ભોજનનો સ્વાદ માણવો જોઈએ.

દરમિયાન, અમદાવાદમાં યોજાનારી કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવા માટે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. ચંદીગઢના એક સામાજિક કાર્યકર્તાના પત્રના આધારે અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તન્વીકા પરમારે આ પત્ર મોકલ્યો છે. તેમાં 'પટિયાલા પેગ', '5 તારા થીકે', 'જીબ વિખો ફીમ લબ્બિયા' અને 'જાટ ઉથે ફાયર કરડા જીથે પબંદી હથિયારા દી' જેવાં ગીતો ગાવાનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે આ ગીતો આલ્કોહોલ, માદક દ્રવ્યો અને હિંસાને પ્રોત્સાહન આપે છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોન્સર્ટમાં 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પ્રવેશની મંજૂરી છે, તેથી સ્ટેજ પર બુલેટ બેલ્ટ પહેરવો નહીં અને બાળકોને સ્ટેજ પર બોલાવવા નહીં તેવી વિનંતી કરવામાં આવી છે. લાઇવ શોમાં 120 ડેસિબલ સુધીનો અવાજ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનું કહેવું છે કે નશામુક્ત ભારત અભિયાનની ગરિમા જળવાઈ રહે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે, જેથી કોન્સર્ટમાં એવાં ગીતો ન ગવાય જે નશાને પ્રોત્સાહન આપે.