પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝના ઈટાલીના મિલાન કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વિદેશી ચાહકે પહેરેલી ટી-શર્ટ પર શીખ ધર્મના પવિત્ર પ્રતીક 'એક ઓમકાર' સાથે દિલજીતનું નામ છપાયેલું હતું. દિલજીતે તે ટી-શર્ટ જોઈને ચાહકને રોક્યો અને નમ્રતાથી સમજાવ્યું કે 'એક ઓમકાર' અત્યંત પવિત્ર છે, તેથી તેની સાથે તેમનું નામ ન જોડવું જોઈએ.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દિલજીતે ચાહકની ટી-શર્ટ તરફ ઈશારો કરીને કહ્યું, 'એક ઓમકાર' સાથે મારું નામ લખશો નહીં, કારણ કે તે પવિત્ર અને અમૂલ્ય છે.' તેમણે એવું પણ કહ્યું કે કદાચ ચાહકને તેની જાણકારી નહીં હોય. આ પછી દિલજીતે ચાહકને સ્ટેજની વચ્ચે લાવીને દર્શકોને અપીલ કરી કે તેઓ ચાહકને માફ કરે. ચાહકે સ્ટેજ પર જ હાથ જોડીને માફી માંગી.
દિલજીતના આ વર્તનની સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે તેમણે ધાર્મિક ભાવના સાથે સંકળાયેલા મુદ્દાને ગુસ્સા કે વિવાદમાં ફેરવવાને બદલે પ્રેમ અને સન્માનથી સમજાવ્યો. ચાહકે પણ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે ટી-શર્ટ બનાવતી વખતે તેમને અંદાજ નહોતો કે દિલજીતનું નામ 'એક ઓમકાર'ની આટલું નજીક હશે. તેમણે જણાવ્યું કે તે નિયમિતપણે ગુરુદ્વારામાં જાય છે અને કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો તેમનો ઈરાદો નહોતો.