સત્ય. સાહસ. સંકલ્પ.

દિલજીત દોસાંઝે ગિરનાર પર અંબાજી માતાના દર્શન કર્યા, કહ્યું- 'જય માતાજી, જય ગિરનારી'

દિલજીત દોસાંઝે ગિરનાર પર અંબાજી માતાના દર્શન કર્યા, કહ્યું- 'જય માતાજી, જય ગિરનારી'

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનારી કોન્સર્ટ પહેલાં તેમણે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી છે. મંગળવારે તેમણે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા અને કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણ્યો હતો.

બુધવારે (18 નવેમ્બર) સવારે લગભગ 8 વાગ્યે દિલજીત તેમની ટીમ સાથે રોપવેમાં બેસીને ગિરનાર પર પહોંચ્યા અને અંબાજી માતાજીના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા. ગિરનાર પર તેમણે કહ્યું, 'જય માતાજી, જય ગિરનારી.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'હું તો પગે ચાલીને ગિરનાર ચડવા માગતો હતો.'

દિલજીતે ગિરનાર પર અડધા કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. આ પહેલાં મંગળવારે તેમણે સાસણમાં સિંહ દર્શન કર્યા હતા અને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દિલજીત કાઠિયાવાડી થાળીની મજા માણતા જોવા મળે છે. જ્યારે વેઈટરે શરૂઆતમાં જ મીઠાઈ પીરસી, ત્યારે તેમણે મજાકમાં કહ્યું, 'ભોજન પહેલા જ મીઠાઈ આવી ગઈ? પહેલા જ મીઠું ખાઈ લેશું તો ભોજન કઈ રીતે લેશું?'

કાઠિયાવાડી થાળીની ભરપેટ પ્રશંસા કરતાં દિલજીતે કહ્યું, 'તમે ગુજરાત આવ્યા છો અને કાઠિયાવાડી થાળી ખાધી છે તો સ્વાદની ખબર જ હશે. અહીંનું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ છે. જો તમે ગુજરાત નથી આવ્યા તો અહીં આવો અને ભોજનનો સ્વાદ માણો.'

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સર્ટને કારણે અમદાવાદ આવતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે ફ્લાઈટ અને હોટેલના ભાડામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.