સત્ય. સાહસ. સંકલ્પ.

દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલા વિવાદ: ચાર ગીતો પર પ્રતિબંધની માંગ

દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલા વિવાદ: ચાર ગીતો પર પ્રતિબંધની માંગ

અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ પહેલા ગીતોને લઈને વિવાદ ઊભો થયો છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU)એ શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને કોન્સર્ટમાં દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની માંગ કરી છે.

ચંદીગઢના રહેવાસી ડો. પંડિતરાવ ધરેન્નાવરે આ કાર્યક્રમ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે DCPUએ પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં ખાસ કરીને ચાર ગીતોના નામ સામેલ કરવામાં આવ્યા છે: 'પટિયાલા પેગ', '5 તારા ઠેકે', 'જીભ વિચોં અફીમ લભિયા' અને 'જટ્ટ ઉઠે ફાયર કરદા જિત્થે પાબંદી હથિયારાં દી'. આ ગીતો પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઈ છે.

DCPUએ પત્રમાં સ્પષ્ટ માંગ કરી છે કે કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અને હથિયારોને પ્રોત્સાહન આપતા કોઈપણ ગીતો ગાવામાં ન આવે. એકમનું કહેવું છે કે જો આ ગીતોના શબ્દો બદલીને પણ સ્ટેજ પર રજૂ કરવામાં આવે, તો પણ બાળકો અને યુવાનોના માનસ પર તેની ખરાબ અસર પડી શકે છે.

પત્રમાં બાળકોના પ્રવેશ, તીવ્ર અવાજ અને ફ્લેશિંગ લાઇટ્સ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. કોન્સર્ટમાં 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે, જે અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત, 120 ડેસિબલથી વધુ તીવ્ર અવાજ અને ઝડપથી બદલાતી ફ્લેશિંગ લાઇટ્સને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

DCPUએ પોલીસ કમિશનર પાસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સરકાર સાથે વાતચીત કર્યા બાદ લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.