સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્જીત દોસાંઝનો દિલ્હી કોન્સર્ટ રદ: પોલીસે સુરક્ષા કારણોસર મંજૂરી નકારી

દિલ્જીત દોસાંઝનો દિલ્હી કોન્સર્ટ રદ: પોલીસે સુરક્ષા કારણોસર મંજૂરી નકારી

ગાયક દિલ્જીત દોસાંઝનો 30 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાનારો કોન્સર્ટ થશે નહીં. દિલ્હી પોલીસે આ કાર્યક્રમને સુરક્ષા મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમ અંગે પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના કારણો દર્શાવ્યાં છે.

વૃત્તાંસ મુજબ, દક્ષિણ જિલ્લા પોલીસે ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ 'બુક માય શો'ને પત્ર મોકલીને અરજી નામંજૂર થવાની જાણકારી આપી છે. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરે પત્રમાં જણાવ્યું છે કે 'દિલ્જીત દોસાંઝ ઓરા ઇન્ડિયા ટૂર દિલ્હી'ના આયોજન માટે મંજૂરી આપી શકાય નહીં.

પોલીસે મંજૂરી ન આપવા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યાં છે. પોલીસના પત્ર અનુસાર, તેમને ચોક્કસ સુરક્ષા જોખમો સાથે જોડાયેલા ઇનપુટ્સ મળ્યા છે. ઉપરાંત, ચાલુ તહેવારોની સિઝનને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પર પહેલેથી ભારે દબાણ છે. આ બંને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં આટલી મોટી ભીડવાળા કાર્યક્રમને મંજૂરી આપવી શક્ય નથી.

દિલ્જીત દોસાંઝના આ નવા 'ઓરા ઇન્ડિયા ટૂર'ની શરૂઆત 30 ઓક્ટોબરે દિલ્હીમાં જ થવાની હતી. આ પહેલાં શો 1 નવેમ્બરે યોજવાનો નક્કી હતો, પરંતુ પંજાબી પ્રમોશન કાઉન્સિલની અપીલ બાદ તેને 30 ઓક્ટોબરે ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. કાઉન્સિલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે 1 નવેમ્બરનો દિવસ શીખ સમુદાયના અનેક પરિવારો માટે પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે. 31 ઓક્ટોબર 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોની યાદો આજે પણ પીડિત પરિવારો અને શીખ સમુદાય માટે સંવેદનશીલ છે.

દિલ્હી બાદ આ ટૂર હેઠળ ઇન્દોર, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ અને લખનઉ જેવાં પ્રમુખ શહેરોમાં કાર્યક્રમો પ્રસ્તાવિત છે. અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમ અંગે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.

ઉલ્લેખનીય છે કે શો પહેલાં સોશિયલ મીડિયા પર નકલી વૉલન્ટિયરની ભરતીને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. દિલ્જીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને ચાહકોને આવા નકલી પેજોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટીમ કોઈ વૉલન્ટિયરની ભરતી કરી રહી નથી અને લોકોએ પોતાનો વ્યક્તિગત ડેટા કોઈ અજાણ્યા પેજ પર શેર કરવો નહીં.