અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે'ના સફળ કોન્સર્ટ બાદ ગુજરાતની જનતા હવે મોટા સ્તરના સંગીત કાર્યક્રમો માટે ઉત્સુક છે. આ ક્રમમાં, 21 નવેમ્બર, 2026ના રોજ પંજાબી-બોલિવૂડ ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. તો 22 નવેમ્બરના રોજ રાજપથ ક્લબમાં પપોન (અંગરાગ મહંતા) અને સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલના કોન્સર્ટ પણ યોજાશે.
આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે દેશભરના વિવિધ શહેરોમાંથી સંગીત પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. જેના કારણે ફ્લાઈટ અને હોટલના ભાડામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોન્સર્ટના એક દિવસ પહેલા અને કોન્સર્ટના દિવસે અમદાવાદ આવતા મુસાફરોને સામાન્ય દિવસોની સરખામણીએ ₹3,500થી ₹8,000ની ફ્લાઈટ ટિકિટ માટે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત, હોટલના એક રૂમનું ભાડું સામાન્ય રીતે ₹5,000થી ₹13,000 હોય છે, જે હવે ₹15,000થી ₹35,000 સુધી પહોંચી શકે છે.
ચીકી ટ્રાવેલ એજન્સીના માલિક અંકિત બજાજે જણાવ્યું કે, હાલમાં એરફેર એટલું વધી ગયું છે કે છ સીટના ભાડા જેટલી રકમમાં માત્ર એક જ સીટ મળી રહી છે. કોન્સર્ટમાં આવતા લોકો ઉપરાંત જે લોકો પોતાના ઘરે અથવા બિઝનેસ મીટિંગ માટે આવી રહ્યા છે, તેઓને પણ આ એરફેરનો ભોગ બનવું પડી રહ્યું છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ઈન્દોર જેવા શહેરોમાંથી અમદાવાદ આવતા મુસાફરોને 6થી 7 ગણા ભાડા ચૂકવવા પડી રહ્યા છે.
અમદાવાદની ધી ગ્રાન્ડ ભગવતી હોટલના માલિક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, આવી ઈવેન્ટ્સથી હોટલ ઉદ્યોગને ઘણો ફાયદો થાય છે. 21મીએ દિલજીત દોસાંઝ અને 22મીએ પપોનના શોને કારણે બહારથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, હોટલના નિયમિત ભાડા બે થી ત્રણ ગણા વધી ગયા છે. આ ઉપરાંત પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થાય છે, કારણ કે મુલાકાતીઓ આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. અગાઉ યોજાયેલા કોલ્ડ પ્લે અને IPL ફાઈનલ જેવા કાર્યક્રમોએ પણ હોટલ ઉદ્યોગને મોટો વેગ આપ્યો છે.