સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી, મુંબઈ સહિત 7 એરપોર્ટ પર વિદેશ જતા ભારતીયો માટે ફેસ રેકગ્નિશન ગેટ શરૂ થશે

દિલ્હી, મુંબઈ સહિત 7 એરપોર્ટ પર વિદેશ જતા ભારતીયો માટે ફેસ રેકગ્નિશન ગેટ શરૂ થશે

દેશમાંથી વિદેશ જવા માટે એરપોર્ટ પર પાસપોર્ટ બતાવ્યા વિના, ફક્ત ચહેરો કેમેરા સામે ધરીને ડિજિટલ ગેટમાંથી પસાર થવાની સુવિધા હવે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે પણ શરૂ થવા જઈ રહી છે. અત્યાર સુધી દેશની અંદરની ઉડાનો પૂરતી મર્યાદિત રહેલી ‘ડિજી યાત્રા’ સેવાનો પાયલોટ પ્રોજેક્ટ 1 નવેમ્બર, 2026થી સાત એરપોર્ટ પર શરૂ થશે. આ એરપોર્ટ છે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી, ચેન્નાઈ અને અમૃતસર.

આ પ્રોજેક્ટનો હેતુ ઈ-પાસપોર્ટ અને ચહેરાની ઓળખની ટેકનોલોજીના ઉપયોગથી મુસાફરીની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. શરૂઆતમાં આ સુવિધા ફક્ત એર ઇન્ડિયા અથવા ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જતા, ઈ-પાસપોર્ટ ધરાવતા પસંદગીના ભારતીય મુસાફરોને જ ઉપલબ્ધ રહેશે. એર ઇન્ડિયાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ઇન્ડિગોની પસંદગીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર આ સેવા મળશે. આ ટ્રાયલ ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેવાની ધારણા છે.

બેંગલુરુ એરપોર્ટે જાહેર કર્યું છે કે તે 27 ઓક્ટોબરથી પસંદગીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ટ્રાયલ શરૂ કરશે. શરૂઆતના તબક્કામાં મુસાફરો ટર્મિનલના પ્રવેશ દ્વાર અને સુરક્ષા ચેકપોઇન્ટ પર ચહેરાની ઓળખનો ઉપયોગ કરી શકશે. જ્યાં જરૂરી તકનીકી સુવિધા ઉપલબ્ધ હશે, ત્યાં બોર્ડિંગ ગેટ પર પણ આ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે.

દેશની અંદરની ફ્લાઇટ માટે ‘ડિજી યાત્રા’ આધાર આધારિત નોંધણી પર ચાલે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. મુસાફરોએ ‘ડિજી યાત્રા’ એપ દ્વારા પોતાના ઈ-પાસપોર્ટનું પ્રથમ પેજ સ્કેન કરવાનું રહેશે. ત્યારબાદ ફોનના NFC ફીચર દ્વારા પાસપોર્ટમાં રહેલી ઈલેક્ટ્રોનિક ચિપ વાંચવામાં આવશે અને સેલ્ફી દ્વારા મુસાફરની ઓળખની ચકાસણી થશે.

આ પ્રક્રિયા દ્વારા એક ‘ડિજિટલ ટ્રાવેલ ક્રેડેન્શિયલ’ એટલે કે ડિજિટલ મુસાફરી ઓળખપત્ર બને છે, જે મુસાફર પોતાના ફોનમાં સાચવી શકે છે. એરપોર્ટના નિર્ધારિત ગેટ પર કેમેરા દ્વારા ચહેરાની ઓળખ કરવામાં આવશે. ડિજિટલ ઓળખ ચકાસાઈ જાય એટલે મુસાફર આગળ જઈ શકે છે. આનાથી અલગ-અલગ જગ્યાએ વારંવાર ઓળખ ચકાસવાની અને કાગળનાં દસ્તાવેજ બતાવવાની જરૂર ઘટી શકે છે.

પણ એ સમજવું જરૂરી છે કે ‘ડિજી યાત્રા’ પાસપોર્ટ, વિઝા કે બીજા જરૂરી મુસાફરી દસ્તાવેજોનો વિકલ્પ નથી. તે ફક્ત એરપોર્ટની અંદરના અમુક તબક્કે ઓળખની પ્રક્રિયા સરળ બનાવે છે. એરલાઇન દ્વારા ફરજિયાત દસ્તાવેજ ચકાસણી અને ઇમિગ્રેશન ક્લિયરન્સની પ્રક્રિયા પહેલાંની જેમ ચાલુ જ રહેશે. વિદેશ જતા મુસાફરોએ પોતાનો પાસપોર્ટ, વિઝા અને બીજા બધા જરૂરી દસ્તાવેજ સાથે રાખવા જ પડશે.

ઇમિગ્રેશન અને દેશમાંથી બહાર નીકળવાની (એમિગ્રેશન) પ્રક્રિયા હાલ ‘ડિજી યાત્રા’ના દાયરામાં આવતી નથી. મુસાફરો એરપોર્ટના શરૂઆતના ચેકપોઇન્ટ પર ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકે છે, પણ દેશ છોડવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયો નથી.

ફેસ રેકગ્નિશનમાં વપરાતા બાયોમેટ્રિક ડેટાની સુરક્ષા એ મહત્વનો મુદ્દો છે. ‘ડિજી યાત્રા ફાઉન્ડેશન’ના જણાવ્યા અનુસાર મુસાફરની વ્યક્તિગત માહિતી તેમના સ્માર્ટફોનમાં એક સુરક્ષિત ‘વોલેટ’માં એન્ક્રિપ્ટ કરેલા સ્વરૂપે સંગ્રહિત થાય છે. આ ડેટા સંબંધિત એરપોર્ટ સાથે ફક્ત મુસાફરની સંમતિથી અને મર્યાદિત સમય માટે જ શેર કરવામાં આવે છે.